Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 53 of 57

background image
: ૫૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
આત્માની લગની...ને અનુભવની ખૂમારી
માહ વદ છઠ્ઠે આકોલા શહેરમાં પૂ. શ્રી કાનજીસ્વામી પધારતાં
જૈનજનતાએ ઉમંગભર્યું સ્વાગત કર્યું; દોઢ લાખની વસ્તીવાળા
આ શહેરમાં જૈનોના પાંચસો ઘર, એટલે ત્રણેક હજારની વસ્તી
છે. ચાર દિગંબર જિનમંદિરો છે. સ્વાગત પછી પ્રમિલાતાઈ
હોલમાં મંગલપ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું કે–
લાગી લગન હમારી જિનરાજ લાગી લગની હમારી...
કાહૂકે કહે કબહૂં ન છૂટે લોકલાજ સબ ડારી...
પ્રભુજી! લાગી લગન હમારી.
જિનરાજ તે વીતરાગસ્વભાવને પામેલા સર્વજ્ઞ પરમાત્મા, તેમને ઓળખીને
ભક્ત કહે છે કે હે ભગવાન! આપની વીતરાગતાને અને આપના અતીન્દ્રિય જ્ઞાન–
આનંદને અમે ઓળખ્યા, ત્યારથી અમને તેની લગની લાગી છે, તે લગની હવે કદી
છૂટે નહીં જ્ઞાનાનંદસ્વભાવની જે શ્રદ્ધા થઈ તે કદી છૂટે નહીં. હે નાથ! આત્માની જે
ખૂમારી ચડી, જે રંગ લાગ્યો તે કોઈ પ્રસંગે કદી છૂટે નહીં. આત્માના અનુભવની કોઈ
અપૂર્વ ખૂમારી જ્ઞાનીને છે, આત્માની લગની આડે લોકલાજ છોડી દીધી છે તેથી
લોકની પ્રતિકૂળતા હો તોપણ, સ્વભાવના અનુભવની ખુમારી ચડી તે ચડી, તેમાં હવે
ભંગ પડે નહીં ને બીજો રંગ લાગે નહીં. આત્માની આવી રુચિ–શ્રદ્ધા–ઓળખાણ
કરવી તે મંગળ છે.
બપોરે પ્રવચનમાં ગુરુદેવે કહ્યું–આત્મા પોતે સર્વજ્ઞપરમેશ્વર છે, અચિંત્ય
જ્ઞાનશક્તિ તેનામાં છે. આચાર્યદેવ કહે છે કે અરે જીવો! અનાદિથી નિજસ્વરૂપને
ભૂલીને જે ભ્રમણા કરી છે તેને હવે તો છોડો. પર મારાં, શરીરાદિનાં કામ હું કરું એવી
સ્વ–પરની એકતાબુદ્ધિરૂપ અજ્ઞાનને હવે તો છોડો. અરે જગતના જીવો! આ
ચેતનસ્વરૂપ આત્મા છે તે કદી અચેતન શરીર સાથે એકમેક થતો નથી, ત્રણેકાળે તે
જડથી જુદો જ છે. જડ–ચેતનની એકતાબુદ્ધિનો જે ભ્રમ છે તેને હવે તો છોડો. અહો,
આત્માના રસિક જનોને રુચિકર એવું જ્ઞાનસ્વરૂપ છે, તે જ તમારું સ્વરૂપ છે, તેને
અનુભવમાં લઈને તેનો સ્વાદ લ્યો. ચૈતન્યરસ એ જ સાચો રસ છે, તેના ભાન વગર
ચારે ગતિમાં જીવે અનંત અવતાર કર્યા છે. તેનાથી હવે કેમ છૂટાય–તેની આ વાત છે.