જ કારણ છે, પુણ્યફળ તરફનું વલણ પણ કાંઈ આત્માના સુખનું કે સમ્યગ્દર્શનાદિનું
કારણ થતું નથી. પાપ કે પુણ્ય બંને તરફનું વલણ આકુળતાવાળું જ છે એટલે દુઃખ
જ છે, તેમાં નીરાકુળ સુખ કે શાંતિ નથી, આત્માનું જ્ઞાન કે જે પુણ્ય–પાપ વગરનું
છે, તે સુખરૂપ છે, અને તે જ્ઞાનભાવ વડે કોઈ અશુભ કે શુભકર્મ બંધાતું નથી તેથી
ભવિષ્યમાં પણ તે સુખનું જ કારણ છે. જ્ઞાનભાવ કદી દુઃખનું કારણ નથી; ને
રાગભાવ કદી સુખનું કારણ નથી. આમ જ્ઞાન અને રાગથી અત્યંત ભિન્નતા જાણીને
જેમ જેમ જ્ઞાનભાવરૂપે જીવ પરિણમે છે તેમ તેમ તે આસ્રવોથી છૂટે છે; અને જેમ
જેમ આસ્રવોથી છૂટે છે તેમ તેમ તે જ્ઞાનઘન થાય છે. આવું ભેદજ્ઞાન તે જ પહેલું
સુખ છે. ‘પહેલું સુખ તે ભેદવિજ્ઞાન.’
જ્યાંસુધી બહારમાં પર તરફ (પુણ્યનાં ફળ તરફ) તારું વલણ રહેશે ને બહારથી ભિન્ન
એવા અંતરના જ્ઞાનસ્વભાવ તરફ તારું વલણ નહીં જાય ત્યાં સુધી તને કિંચિત્ પણ
ધર્મ નહીં થાય. ધર્મની શરૂઆત જ્ઞાનમાં એકાગ્રતાથી જ થાય છે. પર તરફનું વલણ–
પછી ભલે તે ભગવાન તરફનું વલણ હોય–તેનાથી ધર્મ થતો નથી. અજ્ઞાની ખરેખર
દેવ–ગુરુની સેવા કરવાનું જાણતો જ નથી; શરીર કે વાણી એ કાંઈ દેવ–ગુરુ નથી, એ
તો પુદ્ગલની રચના છે; તેનાથી ભિન્ન દેવ–ગુરુનો આત્મા તો અતીન્દ્રિય જ્ઞાન–
આનંદસ્વરૂપ છે, તેવા સ્વરૂપે ઓળખે તો જ દેવ–ગુરુને ખરેખર સેવ્યા કહેવાય. અને
એવા અતીન્દ્રિય જ્ઞાન–આનંદસ્વરૂપ આત્માને લક્ષમાં લેવા જાય ત્યાં જ્ઞાનનું લક્ષ
રાગથી જુદું પડીને અંતરના શુદ્ધ સ્વભાવ તરફ વળી જાય એટલે કે પોતામાં સમ્યગ્દર્શન
ને સમ્યગ્જ્ઞાન થાય.–એ જ વીતરાગી દેવ–ગુરુની ખરી ઉપાસના છે, તે જ મોક્ષમાર્ગ છે,
ને તે જ ભવદુઃખથી છૂટવાનો ઉપાય છે. આવી દશા પ્રગટ કરે ત્યારે જીવ ધર્મી થયો
કહેવાય. ચૈતન્ય પ્રભુનો જેને પ્રેમ લાગ્યો તે એનાથી વિરુદ્ધ એવા રાગાદિ ભાવોનો પ્રેમ
કદી કરે નહીં. ચૈતન્યભગવાન જેને વહાલો લાગે તેને દુઃખદાયી એવો રાગ વહાલો કેમ
લાગે? ધર્મીને પોતાના આનંદપ્રભુ આત્મા સિવાય બીજું કાંઈ વહાલું નથી. આ રીતે
આત્માનું સ્વરૂપ જાણીને, પરભાવોથી તેની ભિન્નતાનું ભેદજ્ઞાન કરવું તે દુઃખથી
છૂટવાની રીત છે.