: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૧૩ :
તે આત્માની સાચી ઓળખાણ નથી. આત્મા તો દેહ અને રાગથી પાર એવા
સ્વસંવેદનસ્વરૂપ છે. પોતાનો આત્મા જ ચૈતન્ય પરમેશ્વર છે. નાના–નાના બાળકોને
પારણામાંથી પણ એવા સંસ્કાર આપવા જેવા છે કે તું શુદ્ધ છો, તું આનંદ છો, તું ચૈતન્ય
છો...આવા આત્માની ઓળખાણ કરવી તે જ ધર્મની સાચી વિધિ છે.
અહા, ચૈતન્યતત્ત્વ શુભરાગથી ને પુણ્યથી પણ પાર છે ત્યાં બહારના સંયોગની
કે શરીરની તો શી વાત? શિષ્ય એમ પૂછે છે કે–પ્રભો! રાગાદિ આસ્રવોથી મારો આત્મા
કેમ છૂટે? આસ્રવોથી છૂટવાની વિધિ શું? એટલે આસ્રવો પુણ્ય–પાપ તે છોડવા જેવા છે,
તે દુઃખદાયક છે–એમ તો માન્યું છે, તેનાથી છૂટવા તો માંગે છે. પુણ્યથી મને ધર્મનો
લાભ થશે એવી પક્કડ નથી કરતો. પણ તેનાથી પાર આત્માનું સ્વસંવેદન કરવા માંગે
છે. તેને આચાર્યદેવ તેની સાચી રીત બતાવે છે.
આત્મતત્ત્વનું પરમાર્થસ્વરૂપ શું છે તેનો સાચો નિર્ણય કરવો તે જ આસ્રવથી
છૂટવાનો ઉપાય છે. આસ્રવોથી ભિન્ન તત્ત્વના સાચા નિર્ણય વગર તેનાથી છૂટવાનો
પ્રયત્ન જાગે જ નહીં. ભિન્નતાના ભાનવડે આત્મામાં એકાગ્ર થતાં જ આસ્રવોની પક્કડ
છૂટી જાય છે.
[ફાગણ સુદ ૧૧ નો દિવસ મલકાપુરમાં આનંદકારી હતો. સવારમાં બડા
જિનમંદિરમાં કુંદકુંદગુરુના શિષ્ય કાનજી સ્વામીના સુહસ્તે પરમ ભક્તિપૂર્વક શ્રી
કુંદકુંદાચાર્યદેવના પવિત્ર ચરણોની સ્થાપના થઈ હતી. સેંકડો ભક્તો મુનિરાજની સ્તુતિ
કરતા હતા, ને મલકાપુરના સર્વે ઉત્સાહી મુમુક્ષુઓને ઘણો હર્ષોલ્લાસ હતો; કેમકે પૂ.
બહેન શાંતાબેનનો મંગલ જન્મ–દિવસ પણ આજે જ હતો. પ્રવચનમાં ૭૩મી ગાથા
દ્વારા સ્વસંવેદનપ્રત્યક્ષ અખંડ આત્માનું સ્વરૂપ ગુરુ સમજાવતા હતા.)
હું સ્વસંવેદનપ્રત્યક્ષ છું, ને દ્રવ્ય–પર્યાયના ભેદ વગરનો એક અખંડ છું. આવો
અનુભવ કરનારા સમકિતી જીવ જગતમાં સાચા સુખી છે; તે ચૈતન્યઋદ્ધિના સ્વામી
એવા બાદશાહ છે, જગતની બાહ્ય રિદ્ધિથી તે ઉદાસ છે. અંતરની લક્ષ્મીમાં લક્ષને
બાંધીને લક્ષપતિ થયા છે, તેથી બહારનું બીજું કાંઈ તે માંગતા નથી. આવા ધર્માત્મા
જીવ સ્વ–અર્થમાં એટલે કે પોતાના આત્માને સાધવામાં જ તત્પર છે. એના પેટમાં,
એના અંતરમાં પરમેશ્વર બેઠા છે.
ધર્મી જાણે છે કે મારો આત્મા નિર્મમ છે, મમતા રહિત છે; કેમકે પોતાના
ચિદાનંદ સ્વભાવથી અન્ય કોઈપણ પરભાવના સ્વામીપણે હું પરિણમતો નથી. હું તો
પૂર્ણ જ્ઞાનદર્શનસ્વરૂપે જ મારા આત્માને અનુભવું છું.