: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
ખંડવા શહેરમાં ચાર દિવસ
મલકાપુરમાં ચાર દિવસનો કાર્યક્રમ આનંદથી પૂરો થતાં ફાગણ સુદ ૧૩ ની
સવારે પૂ. ગુરુદેવ ખંડવા શહેર પધાર્યા; ઉલ્લાસપૂર્વક ઠાઠમાઠથી ભવ્ય સ્વાગત થયું.
ભવ્ય જિનાલયમાં અનેક પ્રાચીન જિનબિંબો બિરાજમાન છે; મનોજ્ઞ જિનબિંબોનાં
દર્શન કરતાં આનંદ થાય છે. જિનમંદિરમાં દર્શન બાદ સામેના વિશાળ મંડપમાં
સ્વાગતગીત પછી બે–ત્રણ હજાર શ્રોતાજનોની સભામાં મંગલ–પ્રવચનરૂપે ગુરુદેવે કહ્યું
કે–
આત્માનો ચૈતન્યસ્વભાવ તે સાર છે, જગતના તત્ત્વોમાં શુદ્ધઆત્મા સાર છે, તે
જ મંગળરૂપ છે; તેમાં અંતર્મુખ થતાં હિત થાય છે, આનંદ થાય છે. જગતના જડ
પદાર્થોમાં અને સંસારી અજ્ઞાની પ્રાણીઓમાં સાચું જ્ઞાન નથી, સુખ નથી, તેની સન્મુખ
થઈને તેને જાણતાં જાણનારને પણ સાચું જ્ઞાન નથી, સુખ નથી. આત્માનો જે સહજ
સ્વભાવ છે તેને જાણતાં સાચું જ્ઞાન ને અતીન્દ્રિય સુખ છે, કેમકે તે પોતે જ્ઞાન ને
સુખસ્વરૂપ છે. આત્માનો આવો સ્વભાવ તે સાર છે; સમયસારની શરૂઆતમાં તેને
નમસ્કાર કર્યા છે. નમવું એટલે તેમાં અંતર્મુખ થવું; તેમાં અંતર્મુખ થતાં જે જ્ઞાન–
આનંદરૂપ દશા પ્રગટે તે મંગળ છે.
ખંડવાનો જૈનસમાજ ખૂબ ઉત્સાહી અને વાત્સલ્યવંત છે. અહીંની ચાર બહેનો
સોનગઢના બ્રહ્મચર્યાશ્રમમાં રહે છે. સિદ્ધવરકૂટતીર્થ અહીંથી માત્ર ૪૦ માઈલ દૂર છે.
ખંડવા શહેર પ્રવચનમાં સમયસાર–કર્તાકર્મ અધિકારની ગા. ૬૯–૭૦ વંચાણી હતી. રાત્રે
તત્ત્વચર્ચા પણ સરસ ચાલતી હતી. સમ્યક્ત્વ શું, ચારિત્ર શું? વગેરેનું સ્વરૂપ ચર્ચાયું
હતું.
જડ–ચેતનની ભિન્નતા, તેમજ રાગ અને જ્ઞાનની ભિન્નતા સમજાવતાં પ્રવચનમાં
ગુરુદેવે કહ્યું કે–આત્મા પોતે ચેતનસ્વરૂપ વસ્તુ છે; તે પોતાના ચેતનસ્વરૂપને ભૂલીને
રાગાદિ પરભાવનો કર્તા થાય તે અજ્ઞાન છે, તે સંસાર છે. જડની ક્રિયા મારી એમ
અજ્ઞાનથી જીવ માને છે, પણ જડની ક્રિયારૂપે આત્મા ત્રણકાળમાં થતો નથી.
ચૈતન્યમય સ્વ–વસ્તુની અપેક્ષાએ રાગ–પુણ્ય–પાપ તે પરવસ્તુ છે, ચૈતન્ય સાથે
તેને એકતા નથી. આવું ભેદજ્ઞાન કરે ત્યારે જીવ ચેતનભાવરૂપે જ પોતાને અનુભવતો
થકો રાગાદિ પરભાવોને જરાપણ પોતાના કરતો નથી, એટલે તેને બંધન પણ થતું
નથી. આ રીતે ભેદજ્ઞાન તે મોક્ષનો ઉપાય છે.