: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૩ :
મોરબી શહેરમાં બે દિવસ
રાજકોટ શહેરમાં ૧પ દિવસના કાર્યક્રમ બાદ ચૈત્ર સુદ ૧૦ ના રોજ (માનસ્તંભ
પ્રતિષ્ઠાના વાર્ષિક દિવસે) પૂ. ગુરુદેવ મોરબી શહેર પધાર્યા. ઉત્સાહ પૂર્વક સ્વાગત થયું.
જિન મંદિરમાં પાંચ બાલબ્રહ્મચારી ભગવંતોનાં દર્શન કર્યા. સ્વાગતગીત બાદ બે હજાર
જેટલા શ્રોતાજનો વચ્ચે મંગલ પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે –
આત્મા સદા આનંદસ્વરૂપ છે, તેની સન્મુખ થતાં જે આનંદ દશા પ્રગટ થાય તે
મંગળ છે. અનાદિકાળથી નિજસ્વરૂપને ભૂલીને સંસારમાં રખડતા જીવે નિજસ્વરૂપની
શાંતિ કદી ચાખી નથી, સ્વાદી નથી, અનુભવી નથી; એ શાંતિ જેનાથી પ્રાપ્ત થાય તે સાચું
મંગળ છે; બાકી બધા જે લૌકિક મંગળ છે તે તો નાશવાન છે, તે ખરા મંગળ નથી.
ધર્મી કહે છે કે હે નાથ! આપના જેવું અમારૂં સ્વરૂપ અમે ઓળખ્યું અને અમને
તેની લગની લાગી; તે લગનીની ખૂમારી હવે કદી ઊતરે નહીં. (લાગી લગન હમારી હો
જિનજી...લાગી લગન હમારી; ઊતરે ન કબહું ખૂમારી હો જિનજી...લાગી લગન
હમારી.)
આત્માનું જેવું સ્વરૂપ ભગવાને સંભળાવ્યું તે લક્ષમાં લેતાં તેની લગની લાગી,
તે હવે કદી કોઈથી છૂટે નહીં, લોકલાજથી ડરીને આત્માની લગની છૂટે નહીં, દુનિયા ગમે
તેમ બોલે પણ આત્માની જે રુચિ જાગી તેમાં ભંગ પડે નહીં. ચૈતન્યના મહિમા પાસે
બધી ચીજ તૂચ્છ લાગે છે. ચૈતન્યનો જશ, ચૈતન્યનો મહિમા સાંભળ્યો ને તેની અપૂર્વ
રુચિ થઈ તે મંગળ છે.
બે દિવસના પ્રવચનમાં સમયસાર ગા. ૧૪ વંચાણી હતી, તથા શ્રીમદ્ રાજચંદ્રના
અનેક વચનામૃતનું સ્પષ્ટીકરણ થતું હતું. હજારો જિજ્ઞાસુઓ પ્રેમથી શ્રવણ કરતા હતા.
પ્રવચનના પ્રારંભમાં ગુરુદેવે કહ્યું –
શ્રીમદ્ રાજચંદ્રજી આત્મસિદ્ધિમાં મંગળરૂપે ગાથા લખે છે કે –
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.
સમજાવ્યું તે પદ નમું શ્રીસદ્ગુરુ ભગવંત.