: ૧૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
જુઓ, આમાં શું ન્યાય છે? આત્માનું સ્વરૂપ સમજ્યા વિના હું અનંત દુઃખ
પામ્યો એમ કહ્યું; પણ પુણ્ય ન કર્યા માટે દુઃખ પામ્યો એમ ન કહ્યું. આત્માને સમજ્યા
વગર પુણ્ય પણ અનંતવાર કરી ચૂક્્યો અને છતાં એકલું દુઃખ જ પામ્યો, પુણ્ય કરવા
છતાં તેનાથી લેશ પણ સુખ ન પામ્યો એટલે પુણ્યનો શુભરાગ એ કાંઈ ધર્મ નથી, ધર્મ
ચીજ જુદી છે.
અનંતવાર નરકમાં ને સ્વર્ગમાં ગયો; પણ આત્માના જ્ઞાન વગર અનંત દુઃખ
પામ્યો. સ્વર્ગમાં ક્્યારે જાય? કે પુણ્ય કરે ત્યારે. પુણ્ય કરવા છતાં, સ્વરૂપ સમજ્યા
વગર દુઃખ જ (એકલું દુઃખ) પામ્યો. માટે શુભરાગ પણ દુઃખ જ છે. ભગવાન આત્મા
કર્મથી ને રાગથી જુદી ચીજ છે; આનંદમૂર્તિ આત્માના ભાન વગર બહારમાં જિનેન્દ્ર
દેવનાં દર્શન–ભક્તિ તથા વ્રતાદિના રાગ અનંતવાર કર્યા.–પણ તેનું ફળ શું? કે દુઃખ તે
કેમ મટે? કે આત્માનું સ્વરૂપ સમજે તો. એ સિવાય શુભાશુભભાવ વડે આત્મા રીઝે
નહીં, ને તેનું દુઃખ મટે નહીં.
રાવણના અનેક પ્રયત્ન કરવા છતાં સતી સીતા દેવી રીઝતી નથી; ત્યારે કોઈ
કહે છે કે તું રામનું રૂપ ધારણ કર તો સીતા રીઝશે. પણ રાવણ જ્યાં રામનું રૂપ ધારણ
કરે છે ત્યાં વિકારની વાસના રહેતી નથી. તેમ ચૈતન્યરામ એવો આ આત્મા, તેની શુદ્ધ
પરિણતિરૂપી સીતા, તે રાગવૃત્તિરૂપી રાવણવડે રીઝે તેમ નથી. રાગના સેવન વડે શુદ્ધ–
પરિણતિ કદી પ્રગટે નહીં. અને અંતરમાં ચૈતન્ય સ્વભાવ તરફ વળીને જ્યાં આત્મરામનું
સાચું રૂપ ધારણ કર્યું ત્યાં શુદ્ધપરિણતિરૂપી સીતા રીઝે છે ને ત્યાં વિકારીવૃત્તિઓ રહેતી
નથી. આત્માની જે અનુભૂતિ તે ધર્મ છે, તેને જ જિનશાસન કહેવાય છે. જિજ્ઞાસુ શિષ્ય
પૂછે છે કે મને આવા આત્માનો અનુભવ કેમ થાય? ચાર ગતિથી થાકેલા ને આત્માના
સુખની ઝંખના વાળો શિષ્ય તેની રીતે પૂછે છે. ઊંડેથી તેને લક્ષમાં આવ્યું છે કે
આત્માના અનુભવ વગર અત્યાર સુધી જે કાંઈ મેં કર્યું તેમાં પણ કિંચિત સુખ મળ્યું
નહીં; તો સુખનો માર્ગ અંતરમાં કંઈક બીજો જ છે.
જેમ રાવણ વડે સીતા રીઝે નહીં તેમ શુભાશુભ બંધ ભાવ વડે મોક્ષ કદી સધાય
નહીં.
બંધનના કારણ વડે આત્મા કેમ સધાય? બંધભાવ વડે મોક્ષનું સાધન કેમ
થાય? શુભ ને અશુભ તો અનંત વાર કર્યા.–
વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભમાંય.
તેહ શુભાશુભ છેદતાં ઉપજે મોક્ષસ્વભાવ.