Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 54

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૫ :
અશુભ તેમજ શુભ બંને ને છેદતાં મોક્ષભાવ પ્રગટે. પરંતુ અશુભને છેદીને
શુભરાગ કરવાથી તેના વડે મોક્ષ થાય એમ કદી બને નહીં. ધર્મ તો વીતરાગ પદ છે,
મોક્ષમાર્ગ વીતરાગભાવરૂપ છે, અને શુદ્ધઆત્માની અનુભૂતિથી જ તે પ્રગટે છે. આવા
અનુભવમાં જૈનશાસન સમાય છે. લોકોને અનુભવના મહિમાની ખબર નથી. એને તો
રાગના સ્થૂળ પરિણામનો જ પરિચય છે.
જેમ સાચા મોતીનાં પાણી પછેડી પલાળીને ન મપાય, તેમ આતમ–હીરાનાં
ચૈતન્યતેજ શુભરાગ વડે પારખી ન શકાય. ચૈતન્ય હીરાને પારખવા માટે તો રાગથી
જુદી, અંતરની સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ. આત્માએ અનાદિથી સંકલ્પ–વિકલ્પરૂપ
વિકારભાવોને જ ભોગવ્યા છે; પણ એનાથી પાર વસ્તુ અંતરમાં શું છે? તે લક્ષમાં લીધું
નથી. અહીં આચાર્યદેવ તેનું સ્વરૂપ સમજાવે છે.
આત્માનું પરમાર્થસ્વરૂપ ૧૪ મી ગાથામાં દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. જેમ કમળપત્ર
સરોવરની વચ્ચે રહેલું છે, તેને જો જળના સંયોગવાળી દશા તરફથી જુઓ તો તેમાં
પાણીથી સ્પર્શાવાપણું દેખાય છે, પણ જો તેને તેના અલિપ્ત સ્વભાવથી જુઓ તો તેમાં
પાણીનો સ્પર્શ નથી. તેમ આત્માને કર્મ તરફની અશુદ્ધ અવસ્થાથી જુઓ તો તેમાં
કર્મબંધન અને અશુદ્ધતા દેખાય છે, પણ જો તેના જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને જુઓ
(એટલે કે અનુભવ કરો) તો આત્મા એકરૂપ શુદ્ધ જ્ઞાયકભાવ છે તેમાં કર્મનો સંબંધ કે
અશુદ્ધતા નથી. આવા આત્માની અનુભૂતિ તે સમ્યગ્દર્શન છે. ધ્રુવસ્વભાવને દેખતાં
શાંતદશા પ્રગટે તે ધર્મ છે. આવી ધર્મની વાત સાંભળવા માટે ઉપરથી સ્વર્ગના ઈન્દ્રો
પણ તીર્થંકરપ્રભુના સમવસરણમાં આવે છે ને અત્યંત આદરથી પ્રભુની વાણીમાં
શુદ્ધાત્માની વાત સાંભળે છે.
સમ્યગ્દ્રષ્ટિ–ઈન્દ્ર તે પોતાને સ્વર્ગનો સ્વામી નથી માનતો, તે તો પોતાને શુદ્ધ
આત્મવૈભવનો સ્વામી સમજે છે. રાગનો કણિયો પણ મારા સ્વભાવની ચીજ નથી ત્યાં
બહારના સંયોગની શી વાત! આવા ઈન્દ્ર પણ આત્માના સ્વભાવની વાર્તા સાંભળવા
માટે દેવલોકમાંથી અહીં મનુષ્યલોકમાં તીર્થંકર ભગવાનની ધર્મસભામાં આવે છે.–શું તે
સાધારણ પુણ્યની ને દયા–દાન–પૂજાની વાત સાંભળવા માટે આવતા હશે! એ વાત તો
સાધારણ લોકો પણ જાણે છે, પણ એનાથી પાર ચૈતન્યની કોઈ અપૂર્વ વાત સાંભળવા
ઈન્દ્રો પણ આવે છે. આ મનુષ્યપણામાં આત્માનું સ્વરૂપ સમજી લેવા જેવું છે. શ્રીમદ્
રાજચંદ્ર ૧૬ વર્ષની ઉંમરે કહે છે કે –