: ૩૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
રૂપ છે, આવું જે પરિણમન થયું તેમાં રાગાદિ કોઈ ભાવો નથી; તે રાગાદિ ભાવોમાં
ચેતનપણું નથી. આવા જ્ઞાનપરિણમનને ભગવાને મોક્ષમાર્ગ કહ્યો છે; તે જ ધર્મ છે.
આનંદરસનું ધામ આત્મા તેની સન્મુખ થઈને તેનું વેદન કરવું તે શાસ્ત્રનું
તાત્પર્ય છે.
આત્મામાં બે સ્વભાવ–એક ધ્રુવભાવ; બીજો ક્ષણિક ભાવ; તેમાં ધ્રુવભાવ જે
ત્રિકાળ એકરૂપ છે તેને જોતાં બંધ–મોક્ષ નથી; બંધન ટાળવું ને મોક્ષદશા પ્રગટ કરવી
એવા ભેદ ધ્રુવમાં નથી. એટલે પારિણામિક ભાવરૂપ જે ધ્રુવ છે તે બંધ–મોક્ષરૂપ નથી,
બંધ–મોક્ષના કારણરૂપ પણ નથી. બંધ–મોક્ષ અને તેનાં કારણો પર્યાયમાં છે. તે પર્યાય
ઔદયિક–ક્ષાયિકાદિ ચાર ભાવરૂપ હોય છે.
દ્રવ્યરૂપ પારિણામિકભાવ, પર્યાયરૂપ ચાર ભાવ,–આવા દ્રવ્ય–પર્યાય બંનેનું
જોડકું તે આત્મવસ્તુ છે. આત્મા પોતે દ્રવ્ય–પર્યાયરૂપ વસ્તુ છે. દ્રવ્ય અને પર્યાય એવા
બંને ભાવરૂપ આખો આત્મા છે; તે પ્રમાણજ્ઞાનનો વિષય છે.
દ્રવ્યનયનો વિષય તે પણ એક અંશ છે, ને પર્યાયનયનો વિષય તે પણ એક
અંશ છે. શુદ્ધનય પોતે પર્યાય છે પણ તે અખંડદ્રવ્યને વિષય કરે છે, ત્યાં નય અને તેનો
વિષય અભેદ થઈ જાય છે. આવા અભેદઆત્માની પ્રતીત તે સમ્યગ્દર્શન છે. ‘આ
શુદ્ધનય, અને આ તેનો વિષય’ એવા ભેદ અનુભૂતિમાં નથી.
અવસ્થાનો કાળ એક સમયનો; પણ આત્મા કદી અવસ્થા વગરનો થઈ જતો
નથી, સમયે સમયે નવી અવસ્થારૂપે તે પરિણમ્યા જ કરે છે. સિદ્ધદશામાંય અવસ્થા છે.
અવસ્થા એ કાંઈ બહારની ઉપાધિ નથી, આત્માનું જ સ્વરૂપ છે. પણ એક પર્યાય જેટલો
જ આખો આત્મા નથી, દ્રવ્ય–સ્વરૂપે એકરૂપ ધ્રુવ ટકનારો આત્મા છે; તેના આશ્રયે
થયેલી નિર્મળ પરિણતિ તે મોક્ષમાર્ગ અને મોક્ષ છે.
રાગમાં એકતાબુદ્ધિરૂપ તાળાં તોડ તો ચૈતન્યના ખજાના ખૂલી જાય. તને
આત્માની પ્રભુતા સન્તો બતાવે છે. બહિરાત્મદશા, અંતરાત્મદશા, પરમાત્મદશા એ ત્રણે
આત્માની પર્યાયો છે, ત્રણે અવસ્થા વખતે દ્રવ્યસ્વભાવ એકરૂપ છે.
ભાઈ, દુનિયાની વાત સમજવા માટે તેમાં રસ લઈને તું ઊંડો ઊતરે છે, તો આ
તારા આત્માના વૈભવની વાત સમજવા માટે તેમાં રસ લઈને તું ઊંડો ઊતર, તો કોઈ
અપૂર્વ વસ્તુનો તને તારામાં અનુભવ થશે. બાકી રાગની ને પુણ્ય–પાપની વાતો