: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૪૧ :
પંચકલ્યાણક વિધિ પૂર્ણ થઈ...જગત્ કલ્યાણકારી પંચકલ્યાણકનાં દ્રશ્યો પૂરા થયા,
ને પ્રતિષ્ઠિત થયેલા જિનેન્દ્રબિંબોની ગાજતે વાજતે જિનમંદિરમાં પધરામણી થઈ.
ભાવનગરનું જિનમંદિર સોનગઢની શૈલીનું હોવાથી, તે જાણે સોનગઢ–જિનમંદિરનું
નાનું ભાઈ હોય એવું શોભે છે. આવા જિનમંદિરમાં સીમંધરાદિ ભગવંતોની
પધરામણી થતાં ભક્તોનાં હૈયા આનંદથી ઊછળી રહ્યા હતા ને ભક્તિથી નાચી
ઊઠયા હતા. શરૂમાં જિનેન્દ્ર ભગવંતોનું સમૂહ પૂજન થયું હતું, કહાન ગુરુએ પણ
પૂજન કર્યું હતું. મૂળનાયક ભગવાન સીમંધર સ્વામી–જેને પ્રમોદથી ગુરુદેવ ઘણીવાર
जीवन्तस्वामी કહીને બોલાવે છે, તેમની સ્થાપના પ્રમુખશ્રી નવનીતલાલભાઈ
ઝવેરીના હસ્તે થઈ હતી. ગુરુદેવ ઘણા ભક્તિભાવથી જિનબિંબોની સ્થાપના
કરાવતા હતા. સીમંધરપ્રભુની આજુબાજુ ગુલાબીરંગના આદિનાથ ભગવાન તથા
મહાવીર ભગવાન બિરાજે છે. ઉપરના ભાગમાં શ્રી નેમિનાથ, શીતલનાથ, તથા
વાસુપૂજ્ય ભગવંતો બિરાજે છે. આનંદપૂર્વક જિનેંદ્ર ભગવંતોની પ્રતિષ્ઠા બાદ કળશ
અને ધ્વજારોહણ થયું.
આ ભવ્ય દિગંબર જિનમંદિર ગાંધીસ્મૃતિની સામે જુની માણેકવાડીમાં
આવેલું છે. (આ પહેલાનું એક દિગંબર જિનમંદિર બજારમાં હુમચના ડેલામાં
આવેલું છે.)
પ્રતિષ્ઠા બાદ મહાન શાંતિયજ્ઞ થયો હતો. પ્રતિષ્ઠાવિધિ સાગરના પં. શ્રી
મુન્નાલાલજી સમગોરયાએ કરાવી હતી, બીજા અનેક વિદ્વાનો તેમજ અજમેરની
ભજનમંડળી પણ આવી હતી. અંદાજ ચાર હજાર જેટલા બહારગામના મુમુક્ષુઓએ
ઉત્સવમાં ભાગ લીધો હતો ને સભામાં સાત આઠ હજાર માણસો થતા હતા. બપોરે
ટાઉન હોલમાં પ્રવચન બાદ, ઉત્સવની પૂર્ણતાની ઉપલક્ષમાં શ્રી જિનેન્દ્રદેવની
વિશાળ રથયાત્રા નીકળી હતી. રાત્રે જિનમંદિરમાં પૂ. બેનશ્રી અને પૂ. બેને
જિનભક્તિ કરાવી હતી. આ રીતે મંગલઉત્સવ સમાપ્ત થયો હતો. આ ઉત્સવ
જૈનધર્મની મહાન પ્રભાવનાનું કારણ થયો હતો.
બીજે દિવસે વૈશાખ સુદ ચોથની સવારમાં જિનેન્દ્ર ભગવાનનું સ્તવન કરીને
ગુરુદેવે સોનગઢ તરફ પ્રસ્થાન કર્યું.
[આ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય દ્રશ્યો આત્મધર્મમાં રજુ કરવાની ભાવના
હતી, પરંતુ તે માટેના ફોટા તૈયાર થઈ શક્્યા ન હોવાથી આ અંકમાં આપી શકાયા
નથી. શક્્ય હશે તો હવે પછી આપશું.)