: ૪૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
સાંભળી હતી. પોતાને આત્માનો ઘણો અનુભવ અને ઘણા આનંદનું વેદન હતું. એવા
આચાર્યદેવે આ સમયસાર રચ્યું છે ને તેમાં શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે.
[હજાર દોઢહજાર માણસોની સભા, જેમાં વાણીયા કરતાં કણબી ભાઈઓની
સંખ્યા વધુ, એવી સભામાં સમયસાર વંચાતું હતું ને ગુરુદેવ દેહાતીત આત્માનું સ્વરૂપ
સમજાવતા હતા; સૌ શ્રોતાઓ ઉત્કંઠાથી સાંભળતા હતા. તે દેખીને થતું કે વાહ!
ગુરુદેવના પ્રતાપે કેવો ધન્ય અવસર આવ્યો છે કે આવા નાનકડા ગામડાના કણબી
ભાઈઓ પણ શુદ્ધાત્માની વાત હોંશથી સાંભળી રહ્યા છે.)
આત્માના ગુણોમાં જે મોટો હોય તે જ સાચો શેઠ (એટલે કે શ્રેષ્ઠ) છે; બાકી
પરચીજથી પોતાની મોટાઈ લેવા માંગે તે મોટો નથી પણ ભીખારી છે. જેને સંસારની
ધન વગેરેની કે સ્વર્ગની તૃષ્ણા છે તે તો ભીખારી છે. અહીં તો જેને સંસારની કોઈ
ભાવના નથી, જે મોક્ષનો જ અર્થી છે એવા મુમુક્ષુ જીવે આત્માની સિદ્ધિ માટે આત્માની
સેવા કેવી રીતે કરવી, તે વાત સમજાવે છે.
પ્રથમ તો જેનું કલ્યાણ કરવાનું છે તેનું સ્વરૂપ ઓળખવું જોઈએ. આત્મા પોતે
પોતાનું સ્વરૂપ જાણ્યા વગર કલ્યાણ થાય નહીં.
[પ્રવચન પછી પંચ પરમેષ્ઠી ભગવાનનું પૂજન વિધાન થયું હતું. ચૈ. વદ છઠ્ઠની
સવારમાં કાનાતળાવના પટલાણી સૌ. મુક્તાબેન વલ્લભભાઈના હસ્તે મંગલ–
કુંભસ્થાપન (નાંદિવિધાન) થયું હતું. અને ઈન્દ્રપ્રતિષ્ઠા થઈ હતી. ચાર ઈન્દ્ર ઈન્દ્રાણીમાં
પ્રથમ ઈન્દ્ર સુરતના દીનેશકુમાર મનહરલાલ, બીજા ઈન્દ્ર સાવરકુંડલાના વસંતકુમાર
જગજીવન, અને બીજા બે ઈન્દ્રો કાનાતળાવના દેવજીભાઈ પટેલ તથા હરિભાઈ પટેલ
હતા.)
પ્રવચન પછી ઈન્દ્રોનું જુલૂસ નીકળ્યું હતું; નાના ગામમાં હાથી પર મોટું
ઈન્દ્રસરઘસ દેખીને લોકો આશ્ચર્ય અનુભવતા હતા. બપોરે ઈન્દ્રોદ્વારા યાગમંડલ પૂજન
થયું હતું.
[અહીં પાણીની ઘણી છત છે, ને ખેડૂતભાઈઓ સમૃદ્ધ છે. ખેતીદ્વારા થતી વિશેષ
જીવહિંસાથી ઘણા ખેડૂતો મનમાં દુઃખ અનુભવે છે–એ તેમની આર્યતા છે. ઉત્સવમાં
આવેલા પાંચસો જેટલા મહેમાનોને ઘરે ઘરે ઊતારા આપ્યા હતા; તથા ઉત્સવની
ખુશાલીમાં સૌને માટે શેરડીના તાજા રસનું પરબ ખુલ્લું મૂકી દીધું હતું. પ્રવચન પણ સૌ
પ્રેમથી સાંભળતા હતા.)