: વૈશાખ : ર૪૯૬ આત્મધર્મ : ૩ :
અરિહંત પરમાત્માની
સાચી સ્તુતિ
* * * * * *
ભાવનગર શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે
સમયસાર ગાથા ૩૧ તથા ઋષભજિન–સ્તોત્ર ઉપરનાં
પ્રવચનોમાંથી દોહન કરેલા ૮૧ બોલ પૂ. ગુરુદેવની ૮૧ મી
જન્મજયંતીના ઉપલક્ષમાં અહીં રજુ થાય છે.
–બ્ર. હ. જૈન
૧. અહીં જિનેન્દ્રભગવાન સર્વજ્ઞ પરમાત્માની સ્થાપનાનો ઉત્સવ થાય છે.
સર્વજ્ઞભગવાનને ઓળખીને તેમની પરમાર્થ–સ્તુતિ કેમ થાય? તે વાત
આચાર્યદેવ આ સમયસારની ૩૧મી ગાથામાં સમજાવે છે. દરેક આત્મા
સર્વજ્ઞસ્વભાવથી પરિપૂર્ણ છે, તેનું ભાન કરીને એકાગ્રતા દ્વારા જેઓ સર્વજ્ઞ
પરમાત્મા થયા, તેમની વાણીમાં આત્માનું જેવું શુદ્ધસ્વરૂપ કહ્યું, તેવું
વીતરાગીસંતોએ જાતે અનુભવીને શાસ્ત્રમાં કહ્યું છે. એવું આ સમયસાર શાસ્ત્ર
છે, તેના લિખિતંગ શ્રી કુંદકુંદાચાર્ય અને સાક્ષી સર્વજ્ઞપરમાત્મા
સીમંધરભગવાનની!
ર. સર્વજ્ઞદશા પ્રગટ થવાની તાકાત દરેક આત્મામાં છે. એવી સર્વજ્ઞદશા પ્રગટ થતાં
શરીર પણ એવું સ્ફટિક જેવુ પરમ ઔદારિક થઈ જાય છે કે તેમાં જોતાં જોનારને
સાતભવ દેખાય છે. એ સર્વજ્ઞને ક્ષુધા હોતી નથી, રોગ થતો નથી કે ખોરાક
હોતો નથી; હોઠના હલનચલન વગર સહજપણે દિવ્ય વાણી નીકળે છે. આવી
અલૌકિક વીતરાગદશા પામેલા સર્વજ્ઞપરમાત્મા અત્યારે પણ વિદેહક્ષેત્રમાં
બિરાજે છે. એવા સીમંધરપરમાત્મા પાસે અહીંથી કુંદકુંદાચાર્યદેવ ગયા હતા. આ
વાત સાક્ષાત્ સિદ્ધ થયેલી છે. બે હજાર વર્ષ પહેલાં થયેલા આવા આચાર્યદેવે આ
સમયસાર શાસ્ત્ર રચ્યું છે. જૈનશાસનનું આ અલૌકિક શાસ્ત્ર છે. તેમાં આત્માની
વાર્તા છે.