: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૬
૨૦. ભગવાન કેવા છે એને પણ ઘણા લોકો ઓળખતા નથી. ભગવાન તે તો
સર્વજ્ઞપદને પામેલા આત્મા છે. તેઓ જગતના પદાર્થોના ત્રણકાળના જ્ઞાતા છે,
પણ પદાર્થોના કર્તા નથી. વસ્તુ અનાદિઅનંત સ્વયંસિદ્ધ છે, તેનો કોઈ
બનાવનાર નથી.
૨૧. કોઈ એમ કહે કે અમુક વસ્તુને (જીવ કે અજીવને) મેં નવી બનાવી;–તો એનો
અર્થ એ થયો કે તેના પહેલાં તે વસ્તુનું જે અસ્તિત્વ હતું તે તેણે જાણ્યું નથી,
એટલે તે સર્વજ્ઞ નથી. આ રીતે વસ્તુનું કર્તાપણું માને તેને વસ્તુના અનાદિ–
અનંત અસ્તિત્વની ખબર નથી એટલે તે સર્વજ્ઞ નથી. પરની કર્તાબુદ્ધિ હોય ત્યાં
સર્વજ્ઞપણું તો ન હોય, ને સર્વજ્ઞના સ્વરૂપની સાચી ઓળખાણ પણ ન હોય.
રાગાદિ પરભાવનો જે જાણનાર છે તે તેનો કર્તા નથી અને જે કર્તા થાય છે તે
જાણનાર નથી.
૨૨. સર્વજ્ઞ ભગવાનને અનંત ગુણનો પૂર્ણ વૈભવ ખીલી ગયો છે; તેમને ઓળખીને
પોતામાં તેનો થોડોક અંશ પ્રગટ કરવો તે જ ભગવાનની સ્તુતિ છે; એટલે કે
સમ્યગ્દર્શન તે જ સર્વજ્ઞની પ્રથમ સ્તુતિ છે.
૨૩. સ્તુતિકાર કહે છે કે હે ભગવાન! ઈન્દ્રો આપના ચરણમાં જ્યારે નમ્યા ત્યારે
આપના ચરણના નખની પ્રભા વડે તેમના મુગટ ઝગમગી ઊઠ્યા; એટલે
ઈન્દ્રના મુગટની શોભા પણ આપનાં ચરણ વડે જ છે, ખરી શોભા મુગટની નહિ
પણ આપના ચરણની છે; એટલે કે આપના વીતરાગી ચરણ પાસે ઈન્દ્રાદિ
પુણ્યફળ પણ અમને તુચ્છ લાગે છે. અહો, ઈન્દ્રો પણ ભક્તિથી જેને પૂજે એના
મહિમાની શી વાત! આવો મહિમા ઓળખીને વીતરાગ ભગવાનને જે ભજે છે
તે ધન્ય છે.
૨૪. ‘નમો અરિહંતાણં’–અરિહંતોને નમસ્કાર હો આ નમસ્કાર તે ગુણવાચક છે
આત્માના સર્વજ્ઞતાદિ ગુણો પ્રગટ કરીને જેમણે રાગ–દ્વેષ મોહરૂપ અરિને હણ્યા
તે અરિહંત છે. અનંતા જીવોમાંથી જે કોઈ જીવ સર્વજ્ઞતાદિ ગુણો પ્રગટ કરે તેને
અરિહંત કહેવાય છે, તે જ પરમેશ્વર છે, તે જ સાચા દેવ છે. એવા વીતરાગ
દેવનું સ્વરૂપ ઓળખીને તેમની સ્તુતિ કેમ થાય તેનું આ વર્ણન છે.
૨૫. ભાઈ, આ જન્મ–મરણથી મુક્ત થવાની ને આનંદમય મોક્ષપદ પામવાની કોઈ
અલૌકિક રીત છે. સંસારના રાગના રસની આડમાં જીવને પોતાનું સત્ય સ્વરૂપ
લક્ષમાં આવ્યું નથી. આત્માનું સ્વરૂપ પામેલા સાચા દેવ કેવા હોય? તેને