: ૨ : આત્મધર્મ જેઠ : ૨૪૯૬
વીતરાગતારૂપી અમૃતથી ભરેલો ચૈતન્યસમુદ્ર, તેમાંથી બહાર નીકળીને
અરિહંતાદિ પરમ ઉપકારી પુરુષો પ્રત્યેનો શુભરાગ, તે પણ ચંદનવૃક્ષના અગ્નિની માફક
અંતરમાં દાહને જ ઉત્પન્ન કરે છે. રાગ કાંઈ શાંતિ નથી આપતો, રાગ તો આકુળતારૂપી
દાહ ઉત્પન્ન કરે છે. વીતરાગી પરમાત્મા એવો પોતાનો સ્વભાવ, તેને છોડીને બહારમાં
બીજા વીતરાગ પુરુષો પ્રત્યેનો રાગ તે પણ મોક્ષને માટે પાલવતો નથી; તેને પણ
છોડીને જ્યારે જીવ વીતરાગ થાય ત્યારે જ તે મુક્તિ પામે છે.
શુભરાગના પુણ્ય વડે ભલે ઈન્દ્રસંપદા મળે તોપણ તેના લક્ષે જીવને રાગની
બળતરા જ થાય છે. સ્વદ્રવ્યના આશ્રયને છોડીને જરાપણ પરદ્રવ્યનો આશ્રય થાય તેમાં
રાગની બળતરા જ છે. અરે, જ્યાં આત્મા સિવાય અન્ય વીતરાગી પંચપરમેષ્ઠી
ભગવંતોના આશ્રયનું બાહ્ય વલણ તેમાં પણ રાગ અને બળતરા છે, તો ઈન્દ્રની વિભૂતિ
વગેરે પાંચ ઈન્દ્રિયોના વિષયો પ્રત્યેના રાગની બળતરાનું તો શું કહેવું? ભાઈ! તારા
આત્માનું જે શુદ્ધ પૂર્ણાનંદી સ્વરૂપ તેમાં જ તારી પરમ શાંતિ છે, તેમાં જ તારો મોક્ષમાર્ગ
છે. એનાથી બહાર ક્યાંય જરાય શાંતિ કે હિત નથી.
રાગમાં જેને બળતરા ન લાગે ને તેમાં હિત લાગે તેને વીતરાગી મોક્ષમાર્ગની
ખબર નથી, ચૈતન્યની શાંતિની તેને ખબર નથી; તે રાગને છોડીને વીતરાગમાર્ગને
ક્યાંથી સાધશે? આચાર્ય ભગવાન સ્પષ્ટ કહે છે કે હે મોક્ષાર્થી જીવો! કોઈ પણ રાગમાં
તમે રોકાશો નહીં, ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને, સર્વત્ર કિંચિત પણ રાગ કરવાનું
છોડીને વીતરાગભાવ વડે જ તમે ભવસાગરને તરશો. માટે તે જ કર્તવ્ય છે; તે જ
શાસ્ત્રોનું પરમ હૃદય છે. મોક્ષાર્થીને આવા વીતરાગભાવ સિવાય બીજું કાંઈ પણ તાત્પર્ય
નથી. રાગની અનુભૂતિથી તદ્ન ભિન્ન એવી જે જ્ઞાનઅનુભૂતિ, તે તાત્ત્વિક આનંદથી
ભરેલી છે, અને એવી જ્ઞાનઅનુભૂતિ વડે શીઘ્ર પરમ આનંદમય મોક્ષદશા પ્રગટે છે.–આ
રીતે મહાજનો મહાપુરુષો વીતરાગભાવ વડે મોક્ષને પામે છે.
રાગમાં ધર્મ માનીને જેઓ રોકાઈ ગયા છે તેઓ મહાજન નથી પણ તેઓ તો
તૂચ્છ જન છે. મહાજન મહાપુરુષ તો ખરેખર તે છે કે જે રાગને સર્વથા છોડીને
વીતરાગભાવવડે મોક્ષને સાધે છે. રાગમાં મોટાઈ નથી, મોટાઈ તો વીતરાગભાવમાં છે.
વીતરાગભાવને જે આદરે છે તે જ ખરા મહાજન છે. તે મહાભાગ ભગવંતો અપુનર્ભવ
એવા મોક્ષને માટે નિત્ય ઉદ્યમી છે. તેઓ ચેતનાવડે શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં સ્થિર થતા જાય
છે, એટલે રાગ છોડીને વીતરાગ થતા જાય છે; એ રીતે અત્યંત સ્થિર જ્ઞાનઅનુભૂતિ વડે
તાત્ત્વિક આનંદથી ભરપૂર મોક્ષને સાધે છે. આ રીતે વીતરાગભાવ વડે જ ભવસાગરને
તરાય છે. માટે આવો વીતરાગભાવરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગ જયવંત વર્તો!
(પંચાસ્તિકાય ગા. ૧૭૨)