Atmadharma magazine - Ank 320
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 52

background image
: ૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૬
માર્ગ એટલે પરમ વૈરાગ્ય, કરાવનારી, પરમેશ્વરની પરમ આજ્ઞા. અહો, રાગનો
અંશ પણ જેમાં નથી એવા પરમ વૈરાગ્યરૂપ સ્વરૂપચારિત્ર તે જ જિનપરમેશ્વરની પરમ
આજ્ઞા છે, તે જ ભગવાનનો માર્ગ છે. રાગ તે માર્ગ નથી, તે ભગવાનની આજ્ઞા નથી.
રાગ તો પરસમય છે, તે ભગવાનની આજ્ઞા કેમ હોય? શુભરાગને જે મોક્ષમાર્ગ માને
છે તે જીવ ભગવાનની આજ્ઞાને જાણતો નથી. સ્વસમયમાં પ્રવૃત્તિરૂપ પરમ વૈરાગ્ય–
પરિણતિ–કે જે આનંદથી ભરપૂર છે તે જ ભગવાનની આજ્ઞા છે, ને તે જ માર્ગ છે.
ચારિત્રના બે પ્રકાર–એક સ્વચારિત્ર; બીજું પરચારિત્ર
સ્વસમયરૂપ સ્વચારિત્ર છે. પરસમયરૂપ પરચારિત્ર છે.
નિજ સ્વભાવમાં વર્તવારૂપ સ્વચારિત્ર છે. પરભાવમાં અવસ્થિત એવું
પરચારિત્ર છે.
શુભરાગ પણ પરભાવમાં અવસ્થિતરૂપ પરચારિત્ર છે, પરસમય છે, તે માર્ગ
નથી. સ્વભાવમાં અવસ્થિતરૂપ જે સ્વચારિત્ર છે તે, પરચારિત્રથી ભિન્ન છે એટલે
રાગથી ભિન્ન છે, તેથી તે અનિંદિત છે. આવા પરમ વીતરાગ ચારિત્રને ભગવાને
સાક્ષાત્ મોક્ષમાર્ગ કહ્યો છે. તેની ભાવના કરવા જેવી છે.
અરેરે, મોક્ષના કારણરૂપ શુદ્ધ વીતરાગચારિત્રને જાણ્યા વગર, રાગને મોક્ષનું
સાધન માનીને અનંતકાળ અત્યાર સુધી મિથ્યાત્વ અને રાગાદિમાં જ લીનપણે
વીત્યો,...હવે તો સ્વભાવમાં નિયત એવા વીતરાગચારિત્રની જ નિરંતર ભાવના કરવા
જેવી છે.
ઉપયોગ રાગવડે રંજિત થાય, ચંચળ થાય તે પરસમય છે. શુભરાગને ધારણ
કરનાર જીવ પણ સ્વચારિત્રથી ભ્રષ્ટ છે ને પરચારિત્રને આચરે છે. મોક્ષના કારણરૂપ
ચારિત્રમાં શુભરાગ આવતો નથી, મોક્ષના કારણરૂપ ચારિત્ર તે તો સ્વચારિત્ર છે, ને
શુભરાગ તો પરચારિત્ર છે, બંને ભિન્ન છે. પોતાના જ્ઞાન–દર્શન–સ્વભાવમાં નિયત–
નિશ્ચલ–સ્થિર પરિણામરૂપ ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. આ સિવાયની જેટલી અશુભ કે
શુભ પ્રવૃત્તિ છે તે પરચારિત્રરૂપ છે તેથી બંધનું કારણ છે અને તે મોક્ષનું કારણ હોવાનો
ભગવાને નિષેધ કર્યો છે.
શુભભાવરૂપ વિકાર તે પુણ્યાસ્રવ છે, અશુભભાવરૂપ વિકાર તે પાપાસ્રવ છે,
બંને ભાવો આસ્રવ છે, પણ તે કોઈ ધર્મ નથી; તે બંધનું જ સાધન છે, મોક્ષનું સાધન
નથી. મોક્ષનું સાધન તો રાગથી ભિન્ન એવું સ્વચારિત્ર છે; અને તે સ્વચારિત્ર પોતાના
ઉપયોગ સ્વભાવના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક તેમાં નિશ્ચલ એકાગ્રતા વડે પ્રગટે છે.–
આવો મોક્ષમાર્ગ તે જ સાચો વીતરાગી મોક્ષમાર્ગ છે.
(પંચાસ્તિકાય ગા. ૧૪પ)