: જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : પ :
મોક્ષહેતુ અને સંસારહેતુ
સમયસાર બંધઅધિકાર ઉપરનાં પ્રવચનોમાંથી
રાગ વગરના શુદ્ધ આત્માના સ્વાનુભવમાં જેની પરિણતિ જોડાયેલી નથી તેની
પરિણતિ રાગ અને પુણ્યફળના ભોગવટામાં જ જોડાયેલી છે.
અસ્તિ–નાસ્તિના ન્યાયે સમજાવે છે કે જ્યાં શુદ્ધાત્માનો ભોગવટો નથી ત્યાં
રાગનો ભોગવટો છે. જ્યાં મોક્ષમાર્ગ નથી ત્યાં બંધમાર્ગ છે, અને બંધમાર્ગમાં
તો વ્યવહારનો એટલે કે અશુદ્ધઆત્માનો અનુભવ છે; જો શુદ્ધઆત્માનો
અનુભવ હોય તો મોક્ષમાર્ગ હોય.
અજ્ઞાની શુદ્ધાત્માના અનુભવ વગર જે કાંઈ કરે છે તેમાં રાગનો જ અનુભવ છે
એટલે તે સંસારનું જ કારણ છે. ભલે તે વ્રત–તપનો શુભરાગ કરે, શાસ્ત્રો ભણે,
છતાં રાગના અનુભવ સિવાય બીજું કાંઈ તે કરતો નથી, એટલે તેનું બધુંય
સંસારહેતુ જ છે, મોક્ષહેતુ જરાપણ નથી. રાગથી પાર એવા શુદ્ધાત્માનો અનુભવ
તે જ મોક્ષહેતુ છે.
કેવો અનુભવ તે સંસારનું કારણ છે?
અશુદ્ધઆત્માનો અનુભવ તે ભવનું બીજ છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે પુરુષાર્થસિદ્ધિ
ઉપાયમાં એમ કહ્યું છે કે–આ આત્મા કર્મકૃત અશુદ્ધ ભાવોથી અસંયુક્ત હોવા
છતાં, બાલિશ જીવોને એટલે કે અજ્ઞાનીઓને તે રાગાદિથી સંયુક્ત જેવો અશુદ્ધ
પ્રતિભાસે છે; તેમનો આ પ્રતિભાસ જ ખરેખર ભવનું બીજ છે. (ગા.–૧૪)
બીજી રીતે કહીએ તો એકલા વ્યવહારનો આશ્રય કરીને આત્માને જે અશુદ્ધ જ
અનુભવે છે તે જીવ સંસારમાં જ રખડે છે. અને વ્યવહારનો આશ્રય છોડીને
શુદ્ધનય વડે શુદ્ધઆત્માને જે અનુભવે છે તે મોક્ષ પામે છે.–આ મહાન જૈન
સિદ્ધાંત છે.
આત્માની પરિણતિને માટે બે બાજુ છે–
કાં તો અંતર્મુખ થઈને શુદ્ધસ્વભાવમાં ઝુકે એટલે શુદ્ધઆત્માને અનુભવે; અને
કાં તો બીજી બાજુ રાગાદિ પરભાવોમાં ઝુકે એટલે અશુદ્ધતાને અનુભવે.