: ૨૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૬
સ્વભાવના મહિમાની
મધુરી પ્રસાદી
સમયસાર ગા. ૩૨૦ (જયસેનસ્વામીની ટીકા) ઉપર
તાજેતરમાં ચોથીવાર પ્રવચન ચાલે છે; સ્વભાવના કોઈ અપૂર્વ
ઉલ્લાસપૂર્વક તેના મહિમાને ગુરુદેવ ઘૂંટીઘૂંટીને સમજાવી રહ્યા છે.
* સ્વયંભૂરમણ સમુદ્ર જેમ પોતે પોતામાં ડોલે છે તેમ આનંદનો નાથ એવો
અમૃતનો સાગર આત્મા પોતે પોતામાં ડોલે છે. વાહ! અંદરથી આનંદના દરિયા
ઊછળ્યા છે. પ્રભુ! તું કેવો મોટો ચૈતન્યસમુદ્ર છો!–ને તું ક્યાં રોકાઈ ગયો?
મોટા ધ્રુવતત્ત્વને ભૂલીને એક ક્ષણિક અંશમાં તું આખું માનીને અટકી ગયો. આ
સંતો તને તારી આખી વસ્તુ સમજાવે છે.
* અજ્ઞાનીની શ્રદ્ધા તે તો અવસ્તુની શ્રદ્ધા છે એટલે કે મિથ્યાશ્રદ્ધા છે.
* ક્ષાયિકજ્ઞાનમાં જેમ રાગાદિનું કર્તા–ભોક્તાપણું નથી, તેમ સાધકધર્મીની દ્રષ્ટિમાં
પણ રાગાદિનું કર્તા–ભોક્તાપણું નથી. ત્રિકાળ શુદ્ધ–વસ્તુ પૂર્ણ છે તે જ શુદ્ધ
દ્રષ્ટિનો વિષય છે. મિથ્યાદ્રષ્ટિની દ્રષ્ટિનો કોઈ વિષય જ ખરેખર નથી,–તે તો
ક્ષણિક રાગાદિ પર્યાય જેટલો જ, કે કર્મના સંબંધ જેટલો જ આત્મા માને છે,
પણ એવી આત્મવસ્તુ તો છે નહીં, તેથી ‘અવસ્તુ’ ની તે શ્રદ્ધા કરે છે એટલે તે
શ્રદ્ધા મિથ્યા છે. (અજ્ઞાનીના મિથ્યાજ્ઞાનઅનુસાર જગતમાં કોઈ વસ્તુ નથી,
માટે તેનું જ્ઞાન મિથ્યા છે એ વાત બંધઅધિકારમાં કરી છે.)
* સમ્યગ્દ્રષ્ટિની શ્રદ્ધાનો વિષય ‘સત્’ છે, શુદ્ધ વસ્તુ જેવી છે તેવી તે શ્રદ્ધામાં
લ્યે છે.
* શુદ્ધજ્ઞાન રાગને કરે? શુદ્ધજ્ઞાન કર્મને કરે?–ના; તે રાગને કે કર્મને કરતું નથી,
ભોગવતું નથી, જાણે જ છે, જાણવારૂપ જ પરિણમે છે.
* દ્રવ્યસ્વભાવ અનંત સામર્થ્યથી ભરપૂર છે. તેમાં જેની દ્રષ્ટિ છે, એવી
શુદ્ધદ્રષ્ટિરૂપે–શુદ્ધજ્ઞાનરૂપે પરિણમેલો જીવ, તેની આ વાત છે.
સમ્યગ્દર્શન–પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈ ગઈ. પહેલાં પરસન્મુખ એકતા
હતી, તે સ્વસન્મુખ એકતારૂપ થઈ; પર્યાય રાગાદિ સાથે અભેદ હતી તેને