Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 44

background image
: ૨૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
અનંત ગુણરત્નોનો ખજાનો છે...આ હાથીનું જાડું શરીર તે તો પુદ્ગલ છે, તે કાંઈ તું
નથી. તું તો જ્ઞાનસ્વરૂપ છો. તારા જ્ઞાનસ્વરૂપમાં પાપ તો નથી ને પુણ્યનો શુભરાગ
પણ નથી; તું તો વીતરાગી આનંદમય છો.–આવા તારા સ્વરૂપને તું અનુભવમાં લે....ને
તેની શ્રદ્ધા કરીને સમ્યગ્દર્શન ધારણ કર.
જગતમાં સમ્યગ્દર્શન જ જીવને સારરૂપ છે; તે જ મોક્ષનું પગથિયું છે, તે જ
ધર્મનો પાયો છે. સમ્યગ્દર્શન વગર કોઈ પણ ધર્મક્રિયા હોતી નથી; સમ્યગ્દર્શન વગરની
બધી ક્રિયાઓ નકામી છે. મિથ્યાત્વના દાવાનળમાં આખો સંસાર સળગી રહ્યો છે,
તેમાંથી આ સમ્યગ્દર્શન જ જીવને ઉગારનાર છે. વીતરાગ–સર્વજ્ઞ અરિહંત દેવ,
રત્નત્રયધારક દિગંબર મુનિરાજ ગુરુ અને હિંસા વગરનો વીતરાગભાવરૂપ ધર્મ,–આવા
દેવગુરુધર્મને ઓળખીને તું શ્રદ્ધા કર, અત્યંત ભક્તિથી તેનો આદર કર અને તેમણે
આત્માનું શુદ્ધ સ્વરૂપ જેવું કહ્યું છે તેવું તું જાણ...તેની શ્રદ્ધા કર...આવા સમ્યગ્દર્શનથી
તારું પરમ કલ્યાણ થશે.
–આમ ઘણા પ્રકારે મુનિરાજે સમ્યગ્દર્શનનો ઉપદેશ આપ્યો...તે સાંભળીને
હાથીનાં પરિણામ અંતર્મુખ થયા...અને અંતરમાં પોતાના આત્માનું સાચું સ્વરૂપ દેખીને
તેને સમ્યગ્દર્શન થયું...પરમ આનંદનો અનુભવ થયો...તેને એમ થયું કે– ‘અહા,
અમૃતના દરિયા મારા આત્મામાં ડોલી રહ્યા છે...પરભાવોથી ભિન્ન સાચું સુખ મારા
આત્મામાં અનુભવાય છે. ક્ષણમાત્ર આવા આનંદના અનુભવથી અનંત ભવનો થાક
ઊતરી જાય છે.’ આવા આત્માનો વારંવાર અનુભવ કરવાનું તેને મન થયું...ઉપયોગ
ફરી ફરીને અંતરમાં એકાગ્ર થવા લાગ્યો. આ અનુભવના અચિંત્ય અપાર મહિમાનો
કોઈ પાર ન હતો. વારંવાર તેને એમ થતું કે ‘અહો! આ મુનિરાજે અદ્ભુત ઉપકાર કરી
આત્માનું મૂળ સ્વરૂપ મને સમજાવ્યું. આત્મ ઉપયોગ સહજપણે ઝડપથી પોતાના
સ્વસ્વરૂપ તરફ વળતાં સહજ નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવાયું.. ચૈતન્યપ્રભુ પોતાના
‘એકત્વ’ માં આવીને નિજાનંદમાં ડોલવા લાગ્યા...વાહ! આત્માનું સ્વરૂપ કોઈ અદ્ભુત
છે. પરમ તત્ત્વને પામીને, મારા ચૈતન્યપ્રભુને મેં મારામાં જ દેખ્યા.
–આમ સમ્યગ્દર્શન થતાં હાથીના આનંદનો કોઈ પાર નથી. તેની આનંદમય
ચેષ્ટાઓ, તથા તેની આત્મશાંતિ દેખીને મુનિરાજને પણ ખ્યાલ આવી ગયો કે આ
હાથીનો જીવ આત્મજ્ઞાન પામ્યો છે, ભવનો છેદ કરીને તે મોક્ષના માર્ગમાં આવ્યો છે.
મુનિરાજે પ્રસન્ન થઈને હાથ ઊંચો કરીને હાથીને આશીર્વાદ આપ્યા.