Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 44

background image
ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૨૧ :
સંઘના હજારો લોકો આ દ્રશ્ય દેખીને બહુ ખુશી થયા. એક ક્ષણમાં આ બધું શું
બની રહ્યું છે તે સૌ આશ્ચર્યથી જોવા લાગ્યા.
આત્માનું જ્ઞાન થતાં હાથી તો ઘણા જ ભક્તિભાવથી મુનિરાજનો ઉપકાર
માનવા લાગ્યો.......અરે, પૂર્વે આત્માના ભાન વિના આર્તધ્યાન કરવાથી હું પશુદશાને
પામ્યો, પણ હવે આ મુનિરાજના પ્રતાપે મને આત્મભાન થયું છે, ને તે આત્માના ધ્યાન
વડે હવે હું પરમાત્મા થઈશ.–એમ વિચારીને તે હાથી સૂંઢ નમાવીને મુનિરાજને
નમસ્કાર કરતો હતો..
(જુઓ તો ખરા, બંધુઓ! આપણો જૈનધર્મ કેવો મહાન છે કે તેના સેવન વડે
એક પશુ પણ આત્મજ્ઞાન કરીને પરમાત્મા બની શકે છે! દરેક આત્મામાં પરમાત્મા
થવાની તાકાત છે–એમ આપણો જૈનધર્મ બતાવે છે. વાહ...જૈનધર્મ...વાહ!)
મુનિરાજ પાસેથી સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજીને, હાથીની સાથે સાથે બીજા પણ
ઘણાય જીવો સમ્યગ્દર્શન પામ્યા. જેમ તીર્થંકર એકલા મોક્ષમાં ન જાય, બીજા ઘણાય
જીવો પણ તેમની સાથે મોક્ષ પામે, તેમ અહીં તીર્થંકરનો આત્મા સમ્યગ્દર્શન પામતાં,
બીજા ઘણાય જીવો પણ તેમની સાથે સમ્યગ્દર્શન પામ્યા; અને ચારેકોર ધર્મનો
જયજયકાર થઈ ગયો. થોડીવાર પહેલાં જે હાથી ગાંડો થઈને હિંસા કરતો હતો, તે જ
હાથી હવે આત્મજ્ઞાની થઈને શાંત અહિંસક બની ગયો; અને મુનિરાજ પાસેથી ફરી ફરી
ધર્મ સાંભળવા માટે આતુરતાથી તેમની સામે જોઈ રહ્યો. ઘણા શ્રાવકો પણ ઉપદેશ
સાંભળવા બેઠા હતા.
શ્રી મુનિરાજે મુનિધર્મનો તથા શ્રાવકધર્મનો ઉપદેશ આપ્યો: સમ્યગ્દર્શન અને
આત્મજ્ઞાન ઉપરાંત જ્યારે ચારિત્રદશા થાય એટલે કે આત્માનો ઘણો અનુભવ થાય
ત્યારે જીવને મુક્તિદશા થાય છે. તે મુનિઓ ઉત્તમક્ષમા વગેરે દશ ધર્મોને પાળે છે, અને
હિંસાદિક પાંચ પાપો તેમને જરાય હોતાં નથી એટલે અહિંસા વગેરે પાંચ મહાવ્રત તેમને
હોય છે.
–અને સમ્યગ્દર્શન થવા છતાં જે જીવો મુનિ ન થઈ શકે તેઓ શ્રાવકધર્મ પાળે
છે; તેને આત્માના જ્ઞાનસહિત અહિંસા વગેરે પાંચ અણુવ્રત હોય છે. તિર્યંચગતિમાં પણ
શ્રાવકધર્મનું પાલન થઈ શકે છે. માટે હે ગજરાજ! તમે શ્રાવકધર્મને અંગીકાર કરો.