Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 44

background image
: ૨૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૬
મુનિરાજ પાસેથી ધર્મનો ઉપદેશ સાંભળીને ઘણા જીવોએ વ્રત ધારણ કર્યા.
હાથીને પણ ભાવના જાગી કે જો હું મનુષ્ય હોત તો હું પણ ઉત્તમ મુનિધર્મને અંગીકાર
કરત; આમ મુનિધર્મની ભાવના સહિત તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો, એટલે
મુનિરાજના ચરણોમાં નમસ્કાર કરીને તેણે પાંચ અણુવ્રત ધારણ કર્યા......તે શ્રાવક
બન્યો.
સમ્યગ્દર્શન પામીને વ્રતધારી થયેલો તે વજ્રઘોષ હાથી વારંવાર મસ્તક નમાવીને
અરવિંદ મુનિરાજને નમસ્કાર કરવા લાગ્યો, સૂંઢ ઊંચી–નીચી કરીને ઉપકાર માનવા
લાગ્યો. હાથીની આવી ધર્મચેષ્ટા દેખીને શ્રાવકો બહુ રાજી થયા, અને જ્યારે મુનિરાજે
પ્રસિદ્ધ કર્યું કે–આ હાથીનો જીવ આત્માની ઉન્નત્તિ કરતો કરતો ભરતક્ષેત્રમાં ૨૩ માં
તીર્થંકર થશે,–ત્યારે તો સૌના હર્ષનો પાર ન રહ્યો; હાથીને ધર્માત્મા જાણીને ઘણા પ્રેમથી
શ્રાવકો તેને નિર્દોષ આહાર દેવા લાગ્યા.
યાત્રાસંઘ થોડો વખત તે વનમાં રોકાઈને પછી સમ્મેદશિખર તરફ ચાલ્યો;
હાથીનો જીવ થોડા ભવ પછી આ જ સમ્મેદશિખર ઉપરથી મોક્ષ પામવાનો છે. તેની
યાત્રા કરવા સંઘ જાય છે. અરવિંદ મુનિરાજ પણ સંઘની સાથે વિહાર કરવા લાગ્યા.
ત્યારે હાથી પણ અત્યંત વિનયપૂર્વક પોતાના ગુરુને વોળાવવા માટે થોડે દૂર સુધી
પાછળ પાછળ ગયો........અંતે ફરીફરીને મુનિરાજને નમસ્કાર કરીને ગદગદભાવે
પોતાના વનમાં પાછો આવ્યો.
હાથી હવે પાંચવ્રત સહિત નિર્દોષ જીવન જીવે છે; પોતે જે શુદ્ધઆત્મા અનુભવ્યો
છે તેની ફરીફરીને ભાવના કરે છે. કોઈ પણ જીવને તે હેરાન કરતો નથી, ત્રસહિંસા
થાય તેવો ખોરાક ખાતો નથી; શાંતભાવથી રહે છે, ને સુકાઈ ગયેલા ઘાસ પાન ખાય
છે; કોઈવાર ઉપવાસ પણ કરે છે. ચાલતી વખતે પગ પણ જોઈજોઈને મુકે છે.
હાથિણીનો સંગ તેણે છોડી દીધો છે. મોટા શરીરને લીધે બીજા જીવોને દુઃખ ન થાય–તે
માટે શરીરને તે બહુ હલાવતો નથી, વનના પ્રાણીઓ સાથે શાંતિથી રહે છે ને ગુરુના
ઉપકારને વારંવાર યાદ કરે છે. હાથીની આવી શાંત ચેષ્ટા દેખીને વનના વાંદરા અને
બીજાં પશુઓ પણ તેના ઉપર પ્રેમ રાખે છે ને સુકાં ઘાસપાન લાવીને તેને ખવડાવે છે.
પૂર્વભવનો તેનો ભાઈ કમઠ,–કે જે ક્રોધથી મરીને ઝેરી સર્પ થયો છે તે આ
વનમાં જ રહે છે, જીવજંતુઓને મારી ખાય છે ને નવાં પાપ બાંધે છે.