Atmadharma magazine - Ank 323
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 44

background image
: ભાદરવો : ૨૪૯૬ આત્મધર્મ : ૩૩ :
છે; પણ સમજાવવા માટે ઉપદેશમાં ભેદ આવ્યા વગર રહેતો નથી. તે ભેદના લક્ષે ન
સમજાય. અભેદના લક્ષે જ સત્ સમજાય. કાર્ય તો પર્યાય કરે છે એટલે પર્યાયથી કથન
કરીને સમજાવાય કે પર્યાયને અંતરમાં વાળો.....પર્યાયમાં ધ્રુવનું અવલંબન
લ્યો...પર્યાયને સ્વભાવસન્મુખ કરો.–પણ અનુભવ વખતે કાંઈ એવો ભેદ નથી કે આ
પર્યાય અને આ તેનો વિષય. શુદ્ધનયના વિષયની સાથે જ્યાં પર્યાય અભેદ થઈ ત્યાં તે
અભેદઆત્માને જ ‘શુદ્ધનય’ કહી દીધો (–શુદ્ધનય ભૂતાર્થ છે–); પણ કાંઈ શુદ્ધનયની
પર્યાય પોતે પર્યાય સામે નથી જોતી, તે તો અંતરમાં અભેદ થઈને શુદ્ધ અખંડ આત્માને
દેખે છે.–આવી પર્યાય તે મોક્ષનું કારણ છે. અભેદપણે એમ પણ કહેવાય છે કે આવી
પર્યાયરૂપે પરિણમેલો આત્મા તે મોક્ષનું કારણ છે. એક આત્મા જ સાધક અને સાધ્ય
એવી બે પર્યાયોરૂપે પોતે પરિણમે છે, બીજું કોઈ તે પર્યાયનું કારણ નથી. અને
સાધકપર્યાયને સાધ્યપર્યાયનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે. પર્યાયના ભેદનો આશ્રય
સાધકને નથી, એટલે કે વ્યવહારનો આશ્રય નથી માટે તેને વ્યવહારથી મુક્ત કહ્યો છે.
અભેદ આત્માના આશ્રયે સમ્યગ્દ્રષ્ટિને આનંદના ઝરણાં ઝરે છે. અનેક ગુણોવડે ગુરુ
જેમ જેમ આત્માનું સ્વરૂપ સમજાવે છે તેમ તેમ તે સમજીને શિષ્યને આનંદ આવે છે,
આત્માના વૈભવનો પરમ મહિમા આવે છે. જેમ વેપારીમાં કહેવાય છે કે પાનું ફરે ને
મોતી ઝરે...તેમ ધર્મીને શુદ્ધસ્વભાવ તરફ એકાગ્ર થઈને જ્ઞાનપર્યાય ફરે છે ને આનંદનાં
મોતી ઝરે છે. જેમાં આનંદ ન ઝરે તે જ્ઞાન સાચું નહીં. આત્માનું જ્ઞાન સાથે અતીન્દ્રિય
આનંદને લેતું પ્રગટે છે.
પ્રશ્ન:– ધર્મીનેય બહારના વિકલ્પો તો આવે છે?
ઉત્તર:– તે વિકલ્પના સમયે પણ તેનાથી જુદું એવું સાચું જ્ઞાન ને સ્વભાવની
દ્રષ્ટિ તો ધર્મીને વર્તે જ છે, ને તે શ્રદ્ધા–જ્ઞાનની શુદ્ધિના બળે નિર્જરા પણ થતી જાય છે;
ધ્રુવના ધ્યેયે એકાગ્ર થયેલી પર્યાય નિર્મળ થતી જાય છે. તે પર્યાયમાં અનંતા ગુણોની
શુદ્ધિનો અંશ એક સાથે પરિણમે છે. આ રીતે રાગ વખતે ધર્મીને એકલો રાગ નથી પણ
તે જ વખતે નિર્મળપર્યાય પણ કામ કરી જ રહી છે, ને નિર્મળ પર્યાયના કાર્યમાં રાગનો
અભાવ છે. વિકલ્પનું કાર્ય તેનાથી જુદું છે. વાહ! પર્યાયમાં બે ધારા જુદી પડી ગઈ. એક
વિકલ્પની રાગધારા–તે ગઈ પરસન્મુખ! ને એક સ્વભાવ તરફની નિર્મળ ધારા, તેમાં
રાગનો અભાવ. આનું નામ ભેદજ્ઞાન–પરિણતિ; તેમાં રાગનું જરાય અવલંબન નથી;
એકલા સ્વભાવનું અવલંબન લઈને તે કાર્ય કરે છે.