શુભાશુભભાવ થતા નથી, ને જન્મ–મરણ પણ થતા નથી. આવું શુદ્ધોપયોગરૂપ
સ્વાનુભૂતિનું પરિણમન ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. નિજઘરમાં આવેલો આત્મા,
જેને અનુભૂતિ થઈ, સમ્યગ્દર્શન થયું તે શુદ્ધોપયોગ પરિણતિ વડે મોક્ષને કરે છે.–પણ
આ કરવાપણું પર્યાયમાં છે, દ્રવ્યપણે તો જીવ શાશ્વત છે, તેને કરવાપણું નથી. આવો
શુદ્ધજીવ જેણે સ્વાનુભૂતિ વડે ઉપાદેય જાણ્યો તે શુદ્ધોપયોગવડે પર્યાયમાં મોક્ષને કરે છે.
શુભાશુભકર્મબંધને કરે છે, તથા શુદ્ધાત્મઅનુભૂતિ પ્રગટ થતાં તે શુદ્ધોપયોગરૂપ
પરિણમતો થકો મોક્ષને કરે છે; તોપણ શુદ્ધપારિણામિક પરમભાવગ્રાહક એવા
શુદ્ધદ્રવ્યાર્થિક નય વડે તે બંધ–મોક્ષનો કર્તા નથી. આ સાંભળીને શિષ્ય પૂછે છે કે હે
પ્રભો! શુદ્ધદ્રવ્યાર્થિકસ્વરૂપ શુદ્ધ નિશ્ચયવડે જીવ મોક્ષનો પણ કર્તા નથી, એટલે
શુદ્ધનયથી મોક્ષ નથી, અને જો મોક્ષ નથી તો તેનું અનુષ્ઠાન (યત્ન) પણ વૃથા છે તેનું
સમાધાન:– મોક્ષ છે તે બંધપૂર્વક છે; શુદ્ધનિશ્ચયથી જીવને બંધન નથી એટલે બંધથી
છૂટવારૂપ મોક્ષ શુદ્ધનિશ્ચયથી નથી. જો શુદ્ધનિશ્ચયથી પણ જીવને બંધન હોય તો તો
સદાય બંધન જ રહે, બંધનનો અભાવ કદી થાય જ નહીં. આ અર્થનું દ્રષ્ટાંત કહે છે: એક
પુરુષ સાંકળથી બંધાયેલો છે, અને બીજો એક પુરુષ બંધનરહિત છે; તેમાં જે પહેલાં
બંધાયેલો છે તેને તો ‘તમે છૂટયા’ એવો વ્યવહાર લાગુ પડે છે; પણ બીજો પુરુષ–કે જેને
બંધન હતું જ નહીં–તેને, ‘તમે છૂટયા’ એમ કહેવું તે ઠીક નથી.–ઊલ્ટો તે કોપ કરે કે
ભાઈ! હું બંધાયો’ તો જ ક્યારે?–કે તું મને છૂટો થવાનું કહે છે! તેમ જીવને પર્યાયમાં
સ્વાનુભૂતિના અભાવે બંધન છે, અને પર્યાયમાં સ્વાનુભૂતિવડે બંધનથી છૂટીને મોક્ષ
થાય છે;–આ રીતે પર્યાયમાં બંધ–મોક્ષ તથા મોક્ષનો પ્રયત્ન ઘટે છે; પણ શુદ્ધનિશ્ચયથી
જોતાં જીવને બંધન નથી, એટલે બંધથી છૂટવારૂપ મોક્ષ પણ શુદ્ધનિશ્ચયનયમાં નથી. આ
રીતે વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રત જીવને મુક્તજીવસમાન પોતાનો શુદ્ધઆત્મા
ઉપાદેય છે, એમ ભાવાર્થ છે.