Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 45

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
પોતાના સ્વભાવની એકત્વભાવનારૂપે પરિણમેલા જ્ઞાની ધર્માત્મા એમ અનુભવે
છે કે હું તો મારા એકત્વ સ્વરૂપમાં જ છું; સઘળાય પરભાવો મારાથી બાહ્ય છે.
ચૈતન્યચિંતામણિ એવો હું પોતે મારા અનંત દિવ્ય જ્ઞાન–આનંદથી સમૃદ્ધ છું; પછી અનેક
પ્રકારનાં બાહ્ય ભાવોનું મારે શું કામ છે?
–આવા આત્માના અનુભવરૂપ શુદ્ધભાવ વડે ભગવાને મોક્ષને સાધ્યો, ને ધર્મી
જીવો પણ આત્માના એવા જ અનુભવ વડે તે જ માર્ગે મોક્ષને સાધે છે. મોક્ષને
સાધવાની આ રીત જાણીને મુમુક્ષુ મહા આનંદિત થાય છે. વાહ! જે માર્ગે ભગવાન
મોક્ષ પધાર્યા તે જ માર્ગ મને પ્રાપ્ત થયો.
શ્રમણો જિનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને,
સિદ્ધિ વર્યા, નમું તેમને; નિર્વાણના તે માર્ગને.
* * * * *
સાધક પોતાના સિદ્ધપદને
કઈ રીતે સાધે છે?
જેણે આત્મા સાધવો હોય તેણે તે કેવી રીતે સાધવો? તે વાત છે.
જડ દેહાદિથી આત્મા જુદો છે, ને પોતાના જ્ઞાનાદિ સ્વભાવોથી અભિન્ન છે.
જ્ઞાન વગરનો કોઈ જીવ હોતો નથી; અને જીવ સિવાય બીજામાં ક્્યાંય
જ્ઞાન હોતું નથી. –આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરીને પર દ્રવ્યથી
અત્યંત ભિન્નપણે તેને સાધવો.
દેહની ચીજમાં આત્મા નથી, ને આત્મામાં દેહ નથી. જ્ઞાનમાં
આત્મા છે ને આત્મામાં જ્ઞાન છે. દેહ તો દૂર રહ્યો, વિકલ્પ ઊઠે તે પણ
આત્માની ચીજ નથી. વિકલ્પમાં એકતા કરતાં આત્મા અનુભવમાં નહીં
આવે. વિભ્રમથી જ વિકલ્પો પોતાના સ્વરૂપે ભાસે છે. પણ જ્ઞાન કદી પણ
વિકલ્પરૂપ થતું નથી. આત્મા સદાય જ્ઞાનસ્વરૂપ છે.
આ રીતે ભેદજ્ઞાન વડે પોતાના જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ
કરીને ધર્મી જીવ મોક્ષમાર્ગને પોતામાં જ પરિણમાવે છે. રાગને પોતામાં
તન્મય નથી કરતો, તેનાથી તો જુદો પડીને આત્મસ્વભાવમાં તન્મયતા વડે
મોક્ષમાર્ગ પ્રગટ કરે છે; આ રીતે સાધક પોતાના સિદ્ધપદને સાધે છે.