પંચમગુણસ્થાને સર્વજ્ઞપદને સાધી રહ્યા છે. અસંખ્ય સમ્યગ્દ્રષ્ટિ જીવો સર્વજ્ઞપદને સાધી
રહ્યા છે. ને શક્તિપણે અનંતાનંત જીવોમાં સર્વજ્ઞતા ભરેલી છે. સર્વજ્ઞસ્વભાવી આવો
આત્મા અચિંત્ય શક્તિવાળો દેવ હું પોતે છું–એમ જેણે સ્વ વસ્તુનો પરિગ્રહ કર્યો (શ્રદ્ધા
જ્ઞાનમાં તેની પક્કડ કરી) તેને રાગનો પરિગ્રહ ન રહ્યો, ‘રાગ હું’ એવી પક્કડ ન રહી.
અહા, હું જ સર્વજ્ઞસ્વભાવી, અચિંત્ય શક્તિવાળો દેવ, પછી પરભાવના બીજા પરિગ્રહનું
શું કામ છે? –કેમકે સર્વજ્ઞતામાં જ સર્વ અર્થની સિદ્ધિ છે.–સર્વજ્ઞતા થઈ ત્યાં
આત્મસ્વરૂપનાં સર્વકાર્ય સિદ્ધ થઈ ગયા, જ્ઞાન પૂરું થયું, આનંદ પૂરો થયો, સર્વે ગુણો
પૂરા થયા, પછી હવે બીજું કોઈ પ્રયોજન બાકી નથી રહ્યું. પૂર્ણ અતીન્દ્રિય સુખસહિત
સર્વજ્ઞતા જ્યાં સિદ્ધ થઈ પછી બીજા પદાર્થના સંગ્રહને તે શું કરે? માટે સર્વજ્ઞસ્વરૂપને
અનુભવનાર જ્ઞાનીને અન્ય કોઈ પરવસ્તુનો પરિગ્રહ નથી. જ્ઞાનીને શુદ્ધ જ્ઞાનપદના
ચિન્તનથી–અનુભવનથી જ્યાં પરમ સુખરૂપ કાર્યસિદ્ધિ થાય છે ત્યાં, શુદ્ધ સ્વરૂપના
અનુભવથી બાહ્ય એવા રાગાદિ વિકલ્પોનું શું કામ છે? શુદ્ધ ચૈતન્યપદનો જ્યાં અનુભવ
છે ત્યાં અન્ય પદાર્થનું સ્મરણ કોણ કરે? અહા! પોતામાં શુદ્ધ જીવવસ્તુ જ્ઞાનમાત્ર
અનુભવ ચિંતામણિ–રત્ન છે, એ અનુભવ–ચિંતામણિરત્ન વડે પરમાત્મપદ ને અતીન્દ્રિય
સુખ પ્રાપ્ત થાય છે, –પછી ત્યાં શુભ–અશુભ વિકલ્પોના સંગ્રહનું શું પ્રયોજન છે?
એનાથી તો કોઈ કાર્યસિદ્ધિ થતી નથી. સર્વજ્ઞભાવથી ભરેલો અચિંત્ય મહિમાવાળો
આત્મા પોતે પરમ પૂજ્ય દેવ છે, એ દેવ જેને પ્રસન્ન થયા તે પછી બીજાને કેમ સેવે?
ભગવાન જેને ભેટયા તે ભીખારીને કેમ સેવે?