Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 45

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૨૧ :
એક ક્ષણ પણ ભૂલતો ન હતો; ધર્માત્માઓનું તે બહુમાન કરતો અને વિદ્વાનોનું સન્માન
કરતો. અયોધ્યાની પ્રજા તેના રાજમાં ઘણી સુખી હતી.
ફાગણમાસમાં વસંતઋતુ આવી, ને બગીચાઓ સુંદર પુષ્પોથી ખીલી ઊઠ્યાં;
ધર્માત્માઓનાં અંતરના બગીચા પણ શ્રદ્ધા–જ્ઞાન–આનંદનાં ફુલોથી ખીલી ઊઠ્યાં.
આનંદ–મહારાજા રાજસભામાં બેઠા છે ને ધર્મચર્ચા વડે સૌને આનંદ કરાવે છે. એવામાં
પ્રધાને આવીને કહ્યું કે હે મહારાજ! અત્યારે નંદીશ્વર–પૂજાના દિવસો છે તેથી આઠ
દિવસ (ફાગણ સુદ આઠમથી પૂનમ) સુધી જિનમંદિરમાં ભગવાનની પૂજાનો મોટો
અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો છે; તે ઉત્સવમાં પૂજન કરવા આપ પણ પધારો.
પ્રધાનની વાત સાંભળીને રાજા ઘણો ખુશી થયો, ને કહ્યું–અહો, વીતરાગ
જિનદેવની પૂજાનો આવો અવસર મહા ભાગ્યથી મળે છે. રાજ્યભરમાં ધામધૂમથી મોટો
ઉત્સવ કરો ને ભગવાનની પૂજા રચાવો, દાન આપો, ધર્મચર્ચા કરો, જિનગુણોનું ચિંતન
કરો, ને જૈનધર્મની ખૂબખૂબ પ્રભાવના કરો.
જિનમંદિરમાં આઠ દિવસ ધામધૂમથી મોટો ઉત્સવ ચાલ્યો; ધજા–પતાકા અને
દીવડાથી મંદિર શણગાર્યું હતું, મંગલ વાજાં વાગતાં હતા. આનંદરાજા પોતે ભક્તિથી
પૂજામાં ભાગ લેતા હતા; હજારો–લાખો નગરજનો પણ ઉત્સવ જોવા અને પૂજા કરવા
આવ્યા હતા; અને પ્રભુની પૂજા કરીકરીને પાપનો નાશ કરતા હતા.
મંગલ–ઉત્સવ ચાલતો હતો એવામાં વિપુલમતિ નામના એક મુનિરાજ પણ તે
ઉત્સવ જોવા જિનમંદિરે આવ્યા. વાહ! એક તો ભગવાનની પૂજાનો મોટો ઉત્સવ, અને
વળી મુનિરાજની પધરામણી,–તેથી ચારેકોર ઘણો જ હર્ષ છવાઈ ગયો. રાજાએ અને
પ્રજાએ ઘણી ભક્તિથી મુનિરાજનાં દર્શન કર્યા, અને પછી તેમને ધર્મોપદેશ આપવા
વિનંતિ કરી.
વીતરાગી મુનિરાજે કહ્યું: હે ભવ્ય જીવો! આ આત્મા પોતે જ જ્ઞાન અને
સુખસ્વરૂપ છે, તેને તમે ઓળખો. આખા જગતમાં બધે ફરી ફરીને જોયું પણ આત્મા
સિવાય બીજે ક્્યાંય અમને સુખ દેખાણું નહીં. આત્માનું સુખ આત્મામાં જ છે; બહારમાં
શોધવાથી તે નહીં મળે. આત્માની ઓળખાણ વડે જ આત્માનું સુખ પમાય છે. રાગ વડે
પણ તે સુખ પમાતું નથી. જિનશાસનમાં અરિહંત ભગવાને એમ કહ્યું છે કે પૂજા–વ્રતાદિ
શુભરાગ વડે જીવને પુણ્ય બંધાય છે; અને મોહવગરનો જે વીતરાગભાવ છે તે ધર્મ છે,
તેના વડે મોક્ષ પમાય છે.