Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 45

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૨૩ :
કે હમણાં તેમના મોઢામાંથી દિવ્યધ્વની નીકળશે! વીતરાગતાનું પરમ તેજ તેમની મુદ્રા
પર ઝળકી રહ્યું છે. તેને જોતાં આત્માનો સર્વજ્ઞસ્વભાવ યાદ આવે છે, અહા! ચૈતન્યના
અનંતગુણો જાણે કે મૂર્ત થઈને ઝળકતા હોય એવી અદ્ભુત એ રત્નપ્રતિમાની ઝલક છે.
તે ભલે અચેતન હોય છતાં ચેતનના ગુણોનાં સ્મરણનું નિમિત્ત છે.
વસ્ત્ર–શસ્ત્ર કે અલંકાર વગરની, અને રાગનાં ચિહ્ન વગરની એવી
વીતરાગપ્રતિમા તે તો શુદ્ધઆત્માના દર્પણ સમાન છે. જેમ દર્પણમાં પોતાનું રૂપ દેખાય
છે તેમ જિનપ્રતિમારૂપ વીતરાગદર્પણમાં દેખતાં પોતાનું વીતરાગી–રૂપ યાદ આવે છે, ને
તે વીતરાગ સ્વરૂપના ચિંતન વડે સમ્યગ્દર્શનાદિ થાય છે. વીતરાગપ્રતિમાના દર્શન–
પૂજનના શુભરાગથી ઉત્તમ પુણ્ય બંધાય છે. આ રીતે વીતરાગ જિનબિંબના દર્શનને
સમ્યક્ત્વનું તેમજ પુણ્યનું કારણ કહ્યું છે; તે પ્રતિમા કાંઈ કરાવતી નથી; પુણ્ય, પાપ કે
સમ્યગ્દર્શનાદિ ધર્મ તે તો જીવના પોતાના ભાવ પ્રમાણે જ થાય છે. મુંગીમુંગી
જિનપ્રતિમા એમ ઉપદેશ આપે છે કે સંકલ્પ–વિકલ્પો છોડીને તમે તમારા સ્વરૂપમાં
ઠરો....હે ચેતન! તું જિનપ્રતિમા થા! જેવા સ્વરૂપે પ્રભુને ધ્યાવશો તેવા સ્વરૂપે તમે
થશો. જેમ ચિંતામણિના ચિંતન વડે ઈષ્ટ ફળ મળે છે, તેમ જિનપ્રતિમા સમાન શુદ્ધ
આત્માના ચિંતનવડે ઈષ્ટ ફળ મળે છે.
આનંદરાજા સહિત હજારો શ્રાવકજનો ઘણા ઉલ્લાસથી સાંભળી રહ્યા છે ને
વિપુલમતિ મુનિરાજ ઉપદેશ આપી રહ્યા છે: જેમ મંત્રેલી ઔષધી અચેતન હોવા છતાં
ઝેર ઉતારવામાં નિમિત્ત થાય છે, તેમ વીતરાગભાવરૂપ મંત્રવાળી જિનપ્રતિમા અચેતન
હોવા છતાં જીવને મિથ્યાત્વાદિનું ઝેર ઉતારવામાં નિમિત્ત થાય છે. જેમ રાજમુદ્રાને
મસ્તકે ચઢાવીએ છીએ તેમ પ્રતિમામાં જિનભગવાનની સ્થાપના થતાં તે જિનમુદ્રાને
જિનવર સમાન જ ગણીને તેનું બહુમાન કરીએ છીએ, ને જિનગુણોને યાદ કરીને તેની
ભાવના કરીએ છીએ. જે અજ્ઞાની જીવો જિનપ્રતિમાને દેખીને જિનદેવને યાદ નથી
કરતા ને ઊલ્ટા તેની નિંદા કરે છે તેને તો જિનગુણનો પ્રેમ જ નથી. પિતાનો કે પત્નીનો
ફોટો તો પ્રેમથી જુએ છે ને વીતરાગ ભગવાનની મૂર્તિ જોતાં વીતરાગ પ્રત્યે પ્રેમ કે
બહુમાન નથી જાગતું, તો એવા જીવને શાસ્ત્રકાર અધમ કહે છે; તેને જિનદેવના માર્ગની
ભક્તિ નથી, તે તો સંસારસમુદ્રની વચ્ચે વિષય–કષાયરૂપી મગરના મુખમાં જ પડેલા છે.
હરરોજ જિનવરદેવનાં દર્શન કરીને જિનભાવના ભાવવી તે દરેક શ્રાવકનું કર્તવ્ય છે.
મુનિરાજના ઉપદેશમાં જિનદર્શનનો મહિમા સાંભળીને બધા જીવો ઘણા રાજી
થયા, ને અંતરમાં અરિહંતદેવના ગુણોનો તથા આત્માના શુદ્ધસ્વરૂપનો વિચાર કરવા
લાગ્યા...... (વિશેષ આવતા અંકમાં)