: ૨૬ : આત્મધર્મ દીવાળી અંક ૨૪૯૭
સર્વજ્ઞનો ધર્મ– (અનુસંધાન પૃ. ૮ થી ચાલુ)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ! આરાધ! પ્રભાવ આણી,
અનાથ એકાન્ત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્હાશે.
(શ્રીમદ્ રાજચંદ્ર)
અરે જીવ! શરણરૂપ તારો સર્વજ્ઞસ્વભાવ.......એની આરાધના કર! બીજું કોઈ
તને શરણ નથી.
ભગવાન આ તારી કાર્યસિદ્ધિનો અવસર છે......હે જીવ! આવો ઉત્તમ અવસર
પામી તેને તું ચુકીશ મા! તારા અચિંત્ય શક્તિવાળા આત્માને તું ચુકીશ મા.....
આત્માને ચુકીને પરને પોતાનાં માનીશ મા......રાગાદિ વિકલ્પોનો સંગ્રહ કરીશ મા.
અહા, આ ચૈતન્યદેવનું સામર્થ્ય અપાર છે....સર્વ જ્ઞેયોને જાણવાનું જેની એક
પર્યાયનું સામર્થ્ય, એવા પૂર્ણ સામર્થ્યથી ભરેલી સ્વવસ્તુનો જ્યાં પરિગ્રહ થયો ત્યાં
ધર્મીજીવ રાગાદિ પરભાવોનો સંગ્રહ કરતો નથી, તેમાં એકતા કરતો નથી, એટલે તે
પરભાવો છૂટી જાય છે, તેની નિર્જરા થઈ જાય છે. તે તો પોતાના જ્ઞાનની શુદ્ધતાને જ
ગ્રહણ કરે છે; તે જ્ઞાન સાથે અતીન્દ્રિય સુખ છે, એટલે તે જ્ઞાનમાં સ્વયમેવ કાર્યસિદ્ધિ
છે. તે જ્ઞાન કૃતકૃત્ય છે, તેના સર્વ અર્થ સિદ્ધ થયા છે તેથી તે પોતે ‘સર્વાર્થસિદ્ધ’ છે.
સર્વાર્થસિદ્ધિના વિમાનની આ વાત નથી પણ અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય સુખરૂપી
સર્વ કાર્ય સિદ્ધ થયા છે–એવા આત્મસ્વભાવની આ વાત છે. દરેક જ્ઞાની પોતાના
આત્માને અચિંત્યશક્તિવાળા ‘સર્વાર્થસિદ્ધ’ સ્વરૂપે જુએ છે; સર્વે અર્થ જેનાં સિદ્ધ છે
એવો અચિંત્યશક્તિવાળો દેવ હું પોતે જ છું–એમ ધર્મી અનુભવે છે, પછી કોઈ પણ
બીજા પદાર્થને મેળવવાની વાંછા તેને કેમ હોય? માટે તેને કિંચિત માત્ર અન્ય વસ્તુનો
પરિગ્રહ નથી.
પોતાનું કાર્ય સિદ્ધ થઈ ગયું પછી બીજા સાધનને કોણ ગોતે? આવા
સર્વાર્થસિદ્ધિ–સંપન્ન અચિંત્યશક્તિવાળા ચૈતન્યદેવને ઓળખીને તેને નમવું–તેમાં
પરિણમવું તે પરમાર્થ દેવસેવા છે, વિકલ્પાતીત આનંદ તેનું ફળ છે.
જગતના બધા પદાર્થોના અસ્તિત્વને જાહેર કરવાની જેની તાકાત છે, અને જેના
વગર જગતના કોઈ પદાર્થનું અસ્તિત્વ પ્રસિદ્ધ ન થઈ શકે એવી મહાન શક્તિવાળો આ
ચૈતન્યદેવ છે.....એ દેવના ચિંતનથી મહા આનંદ થાય છે ને આત્માના સર્વ કાર્ય સિદ્ધ
થાય છે. ધર્મી જીવ પોતાના આત્માને જ આવી અચિંત્યશક્તિવાળો દેવ જાણીને સર્વ
પ્રકારે તેની જ આરાધના કરે છે. તેની આરાધના વડે સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ
સુધીનાં કાર્યો સિદ્ધ થાય છે.