Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 45

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
આત્માનું જ્ઞાન તે વીતરાગ–વિજ્ઞાન
વીતરાગ–વિજ્ઞાન છે સુખની ખાણ
દેહથી ભિન્ન આત્મા આનંદનું ધામ છે. આવા આત્માનું જ્ઞાન કરવું તે વીતરાગ
વિજ્ઞાન છે, અને જે વીતરાગવિજ્ઞાન છે તે સુખની ખાણ છે.
શરીર સુંદર–રૂપાળું હોય કે કદરૂપું હોય, તે બંનેથી આત્મા જુદો છે. ખરેખર
તો આત્માનું ચેતન–રૂપ છે તે જ સુંદર છે; પણ પોતાના સુંદર નિજરૂપને ન દેખતાં
અજ્ઞાની શરીરની સુંદરતા વડે પોતાની શોભા માને છે, અને શરીર કદરૂપ હોય ત્યાં
પોતાને હલકો માને છે. પણ ભાઈ, કદરૂપું શરીર કાંઈ કેવળજ્ઞાન લેવામાં વિઘ્ન
નથી કરતું, અને સુંદર રૂપાળું શરીર કાંઈ કેવળજ્ઞાન લેવામાં મદદ નથી કરતું.
અનેક જીવો સુંદર રૂપવાળા હોવા છતાં પણ પાપ કરીને નરકે ગયા છે, અને કુરૂપ
શરીરવાળા પણ અનેક જીવો આત્મજ્ઞાન કરીને મોક્ષ પામ્યા છે. જોકે તીર્થંકરાદિ
ઉત્તમ પુરુષોને તો દેહ પણ લોકોત્તર હોય છે, પરંતુ તે પણ આત્માથી તો જુદો જ
છે. દેહ કાંઈ આત્માની વસ્તુ નથી. દેહથી ભિન્ન આત્માને જે ઓળખે તેણે જ
ભગવાનના સાચારૂપને ઓળખ્યું છે. દેહ છે તે કાંઈ ભગવાન નથી; ભગવાન તો
અંદરમાં જે ચૈતન્યમૂર્તિ કેવળજ્ઞાનાદિ ગુણસહિત બિરાજમાન છે–તે જ છે. દરેક
આત્મા આવો ચેતનરૂપ છે; શરીર સુરૂપ હો કે કુરૂપ, –તે તો જડનું રૂપ છે, આત્મા
તે જડ રૂપપણે કદી થયો નથી. જડ ત્રણેકાળ જડ રહે છે, ને ચેતન ત્રણેકાળ ચેતન
રહે છે; જડ અને ચેતન કદીપણ એક થતા નથી; શરીર અને જીવ સદાય જુદા જ છે.
આવા આત્માને અનુભવમાં લેતાં સમ્યક્દર્શન અને અપૂર્વ શાંતિ થાય છે. આવા
આત્માની ધર્મદ્રષ્ટિ વગર કદી દુઃખ મટે નહીં ને શાંતિ થાય નહીં.
હે જીવ! શરીરના શણગાર વડે તારી શોભા નથી, તારી શોભા તો તારા
નિજગુણ વડે છે. સમ્યગ્દર્શનાદિ અપૂર્વ રત્નોવડે જ આત્માની શોભા છે. શરીર તો
ચેતના વગરનું મૃતકકલેવર છે, –શું તેની સજાવટથી આત્મા શોભે છે? ના;
ચેતનભગવાનની શોભા જડ શરીર વડે હોય નહીં. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
રત્નત્રય વડે જ આત્મા શોભે છે. માટે દેહદ્રષ્ટિ છોડીને આત્માને ઓળખો.
આત્માની આવી ઓળખાણ તે વીતરાગવિજ્ઞાન છે, અને વીતરાગવિજ્ઞાન તે જ
સુખની ખાણ છે.