:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૧૧:
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવશુદ્ધિ પ્રગટ કરવી તે જ છે. –એ જ અપૂર્વ મંગળ છે,
તે જ આત્માને આનંદ દેનાર છે, ને તે જ મોક્ષનું કારણ છે. માટે હે જીવ! તું સમ્યક્
પ્રકારે ભાવશુદ્ધિ કર.
હે ભવ્ય! તું ભાવશ્રુતજ્ઞાનરૂપી અમૃતનું પાન કર. સમ્યક્ શ્રુતજ્ઞાનવડે આત્માનો
અનુભવ કરીને નિર્વિકલ્પ આનંદરસને પી, જેથી તારી અનાદિની મોહતૃષાનો દાહ મટી
જાય. ચૈતન્યરસના પ્યાલા તેં કદી પીધાં નથી, અજ્ઞાનથી તેં ઝેરના પ્યાલા પીધાં છે.
ભાઈ! હવે તો વીતરાગનાં વચનામૃત પામીને તારા આત્માના ચેતનરસનું પાન કર;
જેથી તારી આકુળતા મટીને સિદ્ધપદની પ્રાપ્તિ થાય. આત્માને ભૂલીને બાહ્ય ભાવોનો
અનુભવ તે તો ઝેરનાં પાન જેવો છે, ભલે શુભરાગ હો તેના સ્વાદમાં પણ કાંઈ અમૃત
નથી પણ ઝેર છે. માટે તેનાથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને શ્રદ્ધામાં લઈને તેના
સ્વાનુભવરૂપી અમૃતનું પાન કર. અહા! શ્રીગુરુ વત્સલતાથી ચૈતન્યના પ્રેમરસનો
પ્યાલો પીવડાવે છે. વીતરાગની વાણી આત્માનો પરમશાંતરસ દેખાડનારી છે. આવા
શાંત વીતરાગી ચૈતન્યરસનો અનુભવ તે ભાવશુદ્ધિ છે. તેના વડે જ ત્રણલોકમાં સૌથી
ઉત્તમ પરમઆનંદસ્વરૂપ સિદ્ધપદ પમાય છે.
સ્વરૂપના સાધકોને ધન્ય છે!
જેણે સમ્યગ્દર્શન પ્રગટાવવાનો પૂર્વે કદી નહિ કરેલો એવો
અનંતો સમ્યક્ પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે અને
એ રીતે પોતાના સંપૂર્ણ સ્વરૂપનો સાધક થયો છે તે જીવ કોઈ
પણ સંયોગોમાં ભયથી, લજ્જાથી, લાલચથી કે કોઈપણ
કારણથી અસત્ને પોષણ નહીં જ આપે......એ માટે કોઈવાર
દેહ છૂટવા સુધીની પ્રતિકૂળતા આવી પડે તોપણ તે સત્થી
ચ્યુત નહિ થાય, –અસત્નો આદર કરી નહિ કરે સ્વરૂપના
સાધકો નિઃશંક અને નીડર હોય છે. સત્સ્વરૂપની શ્રદ્ધાના
જોરમાં અને સત્ના માહાત્મ્ય પાસે તેને કોઈ પ્રતિકૂળતા છે જ
નહિ. જો સત્થી જરા પણ ચ્યુત થાય તો તેને પ્રતિકૂળતા
આવી કહેવાય, પણ જે ક્ષણે–ક્ષણે સત્માં વિશેષ વિશેષ દ્રઢતા
કરી રહ્યો છે તેને તો પોતાના બેહદ પુરુષાર્થ પાસે જગતમાં
કાંઈ પણ પ્રતિકૂળ નથી. એ તો પરિપૂર્ણ સત્સ્વરૂપ સાથે
અભેદ થઈ ગયો, –તેને ડગાવવા ત્રણ જગત્માં કોણ સમર્થ?
અહો! આવા સ્વરૂપના સાધકોને ધન્ય છે!!