ઋદ્ધિઓ તેમને પ્રગટી, પણ તેમનું લક્ષ તો ચૈતન્યઋદ્ધિમાં જ હતું. આર્ત્તધ્યાન કે
રૌદ્રધ્યાન તો તેમને હતું જ નહીં, તેઓ ધર્મધ્યાનમાં એકાગ્ર રહેતા, ને ક્યારેક
શુક્લધ્યાન પણ ધ્યાવતા. ધ્યાન વખતે તેઓ પોતાના શુદ્ધાત્મામાં એકમાં જ ઉપયોગને
એકાગ્ર કરીને નિર્વિકલ્પ–આનંદને અનુભવતા હતા, ને બીજી બધી ચિંતાઓ તેમને
અટકી જતી હતી. અહા, ધ્યાન વખતે તો જાણે સિદ્ધમાં ને તેમનામાં કાંઈ ફેર રહેતો ન
હતો. તેમની શાંત ધ્યાનમુદ્રા દેખીને પશુઓ પણ આશ્ચર્ય પામતા હતા.
મચ્છર વગેરે મચ્છર વગેરે જીવ જંતુના ડંશ લાગે તોપણ મોક્ષમાર્ગથી તેઓ જરા પણ
ડગતા ન હતા; કોઈ અરતિનો પ્રસંગ આવે તોપણ તેઓ અરતિભાવ કરતા ન હતા;
સ્ત્રીઓના ગમે તેવા હાવભાવથી પણ તેમનું મન ચલિત થતું નહીં; વિહાર આસન ને
ભૂમિશયન સંબંધી કષ્ટમાં પણ ખેદ કરતા નહીં; ક્રોધથી કોઈ કડવાં વચન કહે કે મારે
તોપણ પોતે પોતાના માર્ગમાંથી ચ્યૂત થતા ન હતા; આહારાદિની યાચના કરતા ન
હતા; અનેક ઉપવાસ બાદ ગામમાં ભોજન માટે જાય ને યોગ્ય આહારાદિ ન મળે તોપણ
શાંતિથી પોતાના ધર્મધ્યાનમાં સ્થિર રહેતા હતા; ક્્યારેક શરીરમાં રોગ થાય, પીડા
થાય, કાંટા–કાંકરા લાગે તોપણ આર્તધ્યાન થવા દેતા ન હતા; પોતાનું કે પરનું શરીર
મલિન દેખીને પણ તેઓ ચિત્તને મલિન થવા દેતા ન હતા; લોકો દ્વારા થતા માન–
અપમાનમાં તેમને સમભાવ હતો; હું રત્નત્રયમાર્ગમાં પ્રવીણ ઘણો મહાન તપસ્વી છું
છતાં સંઘમાં મારું માન નથી, –એવા વિકલ્પ તેઓ કરતા નહીં; જ્ઞાનનો વિશેષ વિકાસ
થવા છતાં તેમને મદ થતો ન હતો; અને અવધિજ્ઞાન વગેરે પ્રગટ્યું ન હોય તો ખેદ
કરતા ન હતા; અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરવાં છતાં કોઈ ઋદ્ધિ વગેરે ન પ્રગટી હોય,
ને બીજાને ઋદ્ધિ પ્રગટતી દેખે તોપણ ખેદ કરતા ન હતા. –ઈત્યાદિ પ્રકારે બાવીસ
પરિષહને જીતતા થકા તે આનંદમુનિરાજ આત્મશુદ્ધિ વધારતા હતા અને કર્મોની નિર્જરા
કરતા હતા. –અહો, આવું વીતરાગી મુનિજીવન ધન્ય છે, તેમના ચરણમાં અમારું મસ્તક
નમે છે.