Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 45

background image
:૨૪: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
સુખશક્તિથી જીવ પોતે સુખી છે
જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારન
ધર્મ એટલે સુખ; સુખ તે આત્માનો ધર્મ છે. સુખને
જે શોધે છે તે શોધનારો પોતે જ સુખ છે જેમ જ્ઞાન વગરનો
આત્મા ન હોય તેમ સુખ વગરનું આત્મતત્ત્વ કદી હોય નહીં.
હે ભાઈ! તું વિચાર કરીને આ વાત લક્ષમાં તો લે કે,
અનંતકાળથી બહારમાં સુખ શોધી–શોધીને થાક્્યો છતાં
તને સુખનો છાંટોય કેમ ન મળ્‌યો? –સુખની હવા પણ કેમ
ન આવી? જેમ હરણિયું મૃગજળને પાણી માનીને દોડે છે;
અરે હરણિયા! તું દોડીદોડીને થાકે છે છતાં તને ઠંડી હવા
પણ કેમ નથી આવતી? –ક્યાંથી આવે? ત્યાં પાણી હોય તો
ઠંડી હવા આવે ને? ત્યાં પાણી તો નથી પણ ધગધગતી રેતી
છે. તેમ ધગધગતી રેતી જેવી આકુળતાવાળા જે
બાહ્યવિષયો તેમાં અજ્ઞાની સુખ માનીને ત્યાં જ પોતાના
ઉપયોગને દોડાવે છે; પણ અનંતકાળ વીત્યો છતાં તેને સુખ
નથી મળતું. –ક્્યાંથી મળે? વિષયોમાં સુખ હોય તો
મળેને? સુખ તો આત્મામાં છે; તેમાં જુએ તો સુખનો
અનુભવ થાય.
આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તે જ્ઞાનસ્વરૂપમાં આકુળતાનો અભાવ હોવાથી
અનાકુળતારૂપ સુખ પણ ભેગું જ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે એટલે તે રાગરૂપ કે
આકુળતારૂપ નથી. જ્ઞાનમાં આકુળતા હોય નહીં. એટલે જ્ઞાનની ખાણમાં ઊંડે ઊતરતાં
તેમાં સુખ પણ ભર્યું છે. જ્ઞાનની જેમ સુખ પણ આત્માનો સ્વભાવ છે. જેમ આત્માનું
જ્ઞાન સ્વયં પોતાથી છે, બીજામાંથી જ્ઞાન આવતું નથી તેમ આત્માનું સુખ પણ સ્વયં
પોતાના સ્વભાવથી છે, બીજામાંથી સુખ આવતું નથી. આત્મામાં જેમ જ્ઞાન સત્ છે તેમ
સુખ પણ સત્ છે. પોતે પોતાના સત્નો–અસ્તિત્વનો સ્વીકાર કરે તો સુખનો અનુભવ
થાય. સુખસ્વભાવ સાથે અનંત ધર્મો છે.