:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૨૭:
અમૃતચંદ્રસૂરિ પીવડાવે છે – અનેકાન્તનાં અમૃત
(૧૪ બોલ વડે જ્ઞાનમાત્ર આત્માના અનેકાન્તસ્વરૂપની સમજણ)
–લેખાંક બીજો : ગતાંકથી ચાલુ–
અહો, અનેકાન્ત તો વસ્તુનું સ્વરૂપ છે; તે જૈન સિદ્ધાંતના
પ્રાણ છે. અનેકાન્ત જ્ઞાનસ્વરૂપ આત્માને પ્રસિદ્ધ કરીને સાચું જીવન
જીવાડે છે, અનેકાન્તનું સ્વરૂપ સમજાવીને આચાર્યદેવે વીતરાગરસનાં
અમૃત પીવડાવ્યાં છે. અનેકાન્તના ૧૪ બોલમાંથી છ બોલનાં પ્રવચન
ગતાંકમાં આવી ગયેલ છે, બાકીનાં અહીં આપવામાં આવ્યા છે.
સમયસારની ૪૧પ ગાથામાં આચાર્યદેવે ઘણા પ્રકારે સ્પષ્ટતા કરીને જ્ઞાનસ્વરૂપ
આત્મા બતાવ્યો રાગાદિ સમસ્ત પરભાવોથી ભિન્ન જ્ઞાનમાત્ર જ આત્મા છે ને એવા
આત્માના અનુભવથી જ આત્મા પરમ આનંદરૂપે પરિણમે છે–એમ સમજાવીને,
જ્ઞાનમાત્ર આત્માનો અનુભવ કરવાનું કહ્યું છે. તે જ્ઞાનમાત્ર આત્માને સ્વયમેવ
અનેકાન્તપણું કઈ રીતે છે તે વાત આચાર્યદેવે આ પરિશિષ્ટમાં સ્પષ્ટ કરી છે.
‘જ્ઞાનમાત્ર’ કહેવા છતાં આત્માને સ્વયમેવ અનેકાન્તપણું પ્રકાશે છે. કેમકે–
(૧) જ્ઞાનમાત્ર આત્માને સ્વરૂપથી તત્પણું છે. (૨) પરરૂપથી અતત્પણું છે.
(૩) જ્ઞાનમાત્ર આત્માને દ્રવ્યથી એકપણું છે. (૪) પર્યાયથી અનેકપણું છે.
(પ) જ્ઞાનમાત્ર ભાવને સ્વદ્રવ્યથી સત્પણું છે. (૬) પરદ્રવ્યોથી અસત્પણું છે.
(૭) જ્ઞાનમાત્ર ભાવને સ્વક્ષેત્રથી અસ્તિપણું છે. (૮) પરક્ષેત્રથી નાસ્તિપણું છે.
(૯) જ્ઞાનમાત્ર ભાવને સ્વકાળથી સત્પણું છે. (૧૦) પરકાળથી અસત્પણું છે.
(૧૧) જ્ઞાનમાત્ર આત્માને સ્વ–ભાવથી સત્પણું છે. (૧૨) પરભાવથી અસત્પણું છે.
(૧૩) જ્ઞાનમાત્ર ભાવને જ્ઞાનસામાન્યરૂપે નિત્યપણું છે. (૧૪) જ્ઞાનવિશેષરૂપે અનિત્યપણું છે.
(અનેકાન્તના આ ૧૪ બોલમાંથી ૬ બોલનો વિસ્તાર ગતાંકમાં આપે વાંચ્યો,
પછીના બોલનો વિસ્તાર આપ અહીં વાંચશો.)