વિકલ્પો, તેમાં છેલ્લામાં છેલ્લો સૌથી સૂક્ષ્મ વ્યવહાર– ‘જ્ઞાન–દર્શન–ચારિત્રસ્વરૂપ
આત્મા’ એવા ગુણ–ગુણીભેદરૂપ છે. આવા ગુણ–ગુણી ભેદરૂપ વ્યવહાર પણ
આશ્રય કરવા જેવો નથી, કેમકે તેના લક્ષે પણ વિકલ્પ થાય છે, શુદ્ધાત્માનો
અનુભવ થતો નથી. અભેદ અનુભૂતિરૂપ જે શુદ્ધઆત્મા, તેને દેખનારો શુદ્ધનય છે,
તે જ ભૂતાર્થ છે, તેના જ અનુભવથી સમ્યગ્દર્શનાદિ થાય છે.
સમ્યગ્દ્રષ્ટિ તે વિકલ્પરૂપ વ્યવહારનું શરણ લઈને અટકતા નથી, પણ તેનેય
છોડવા જેવો સમજીને અંતરના શુદ્ધાત્માને તે વિકલ્પથી જુદો અનુભવે છે. આવો
અનુભવ તે જ વીતરાગનો માર્ગ છે. મોક્ષને માટે આત્મામાં આ સમ્યગ્દર્શનરૂપી
શિલાન્યાસ કરવાની વાત છે. ભૂતાર્થદ્રષ્ટિરૂપી ધુ્રવ પાયો નાંખીને આત્મામાં જેણે
સમ્યગ્દર્શનરૂપી શિલા રોપી તેને અલ્પકાળમાં મોક્ષના પરમ આનંદરૂપી મહેલ
થશે.
સિદ્ધોનો સ્વીકાર કર્યો તે જ્ઞાન રાગથી જુદું પડી ગયું છે. શરીરમાં કે રાગમાં
સિદ્ધોને પધરાવી શકાય નહીં; પણ સાધક પોતાની જ્ઞાનપર્યાયમાં સિદ્ધોને પધરાવે
છે; –કઈ રીતે? પર્યાયને રાગાદિથી ભિન્ન કરીને અંતરના જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર
કરી, ત્યાં તે પર્યાયમાં શુદ્ધ આત્માનો સ્વીકાર થયો, ને શુદ્ધાત્માના સ્વીકારમાં
અનંત સિદ્ધભગવંતોનો સ્વીકાર ને સત્કાર થયો. તેના આત્મામાં સિદ્ધપદ માટે
સમ્યગ્દર્શનનું શિલાન્યાસ થઈ ગયું.