Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 53

background image
: ૧૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
માગશર વદ ૧૧ ના ઉત્તમદિને ત્રેવીસમા તીર્થંકરનો અવતાર થયો;
બનારસીનગરીમાં આનંદ છવાઈ ગયો; માત્ર બનારસમાં નહીં પણ ત્રણે ભુવનમાં
આનંદ ફેલાઈ ગયો.....સ્વર્ગમાં પણ એની મેળે વાજાં વાગવા માંડયા. ઈન્દ્રે જાણ્યું કે
ભરતક્ષેત્રના ત્રેવીસમા તીર્થંકરનો અવતાર થયો છે, એટલે તરત ઈંદ્રાસન પરથી
નીચે ઊતરીને ભક્તિપૂર્વક એ બાલતીર્થંકરને નમસ્કાર કર્યા; ને ઐરાવત હાથી ઉપર
બેસીને જન્મોત્સવ ઉજવવા આવી પહોંચ્યા; સાથે કેટલાય દેવોનાં વિમાન આવ્યા.
કોઈ દેવ વાજાં વગાડે છે, તો કોઈ ફૂલ વરસાવે છે; પછી નાનકડા ભગવાનને ઉપર
બેસાડયા.....હાથી આકાશમાં ઊડયો–ને ભગવાનની સવારી મેરૂપર્વત ઉપર પહોંચી.
આ સૂર્ય–ચંદ્ર દેખાય છે તેનાથી પણ ઘણે ઊંચે મેરૂપર્વત ઉપર પ્રભુનો જન્માભિષેક
કર્યો. એ વખતે પ્રભુનો દિવ્ય મહિમા દેખીને ઘણાય દેવોને સમ્યગ્દર્શન થયું. પ્રભુજી
તો સદાય દેહથી ભિન્ન આત્માને દેખનારા હતા, ને તેમનાં દર્શનથી બીજા ઘણાય
જીવોએ પણ દેહથી ભિન્ન આત્માને ઓળખી લીધો. અહા પ્રભુ! આપ તો
જન્મરહિત થઈ ગયા, ને આપની ભક્તિથી અમારો જન્મ પણ સફળ થયો; એમ
સ્તુતિ કરતા કરતા ઈંદ્ર–ઈંદ્રાણી પણ આનંદથી નાચી ઊઠ્યા; અને પ્રભુનું નામ
‘પાર્શ્વકુમાર’ રાખ્યું.
પ્રભુના જન્માભિષેક વખતે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. આશ્ચર્ય એ છે
કે આકાશમાં ક્્યાંય ફૂલઝાડ તો ન હતાં છતાં પુષ્પવૃષ્ટિ થતી હતી! અનંત આકાશને
એમ થયું કે–અહા, આ ભગવાનનું જ્ઞાન તો મારા કરતાંય વિશાળ છે! –એટલે નમ્રીભૂત
થઈને તે આકાશ પુષ્પદ્વારા પ્રભુની પૂજા કરતું હતું. વળી જેમ હું નિરાલંબી છું તેમ આ
ભગવાનનું જ્ઞાન પણ નિરાલંબી છે–એમ નિરાલંબીપણાના આનંદથી ઉલ્લસિત થઈને
પુષ્પવૃષ્ટિ વડે તે આકાશ પ્રભુના જન્મોત્સવને ઉજવતું હતું.
જન્માભિષેક વખતે ઉલ્લસતો દૂધ જેવો જળધોધ તો એવો હતો કે ક્ષીરસમુદ્ર જ
જાણે ત્યાંથી ઊડીને અહીં મેરુ ઉપર આવ્યો હોય–પ્રભુનાં દર્શન કરવા! અને, નીચે
મધ્યભાગમાં પ્રદક્ષિણા કરી રહેલા સૂર્ય–ચંદ્ર–તારાગણો જાણે કે પ્રભુનાં ચરણોને સેવવા
આવ્યા હતા ને શાશ્વત–દીપકો વડે પ્રભુની આરતિ કરતા હતા.
મેરુપર્વત પર પારસકુમારનો જન્માભિષેક કર્યા પછી સ્તુતિ કરતાં ઈન્દ્ર કહે
છે કે હે પ્રભો! આપ તો પવિત્ર જ છો.....આપને નવડાવવાના બહાને ખરેખર તો
અમે અમારાં જ પાપોને ધોઈ નાંખ્યા છે. ઈન્દ્રાણી કહે છે : પ્રભો! આપને તેડતાં
જાણે હું મોક્ષને જ મારી ગોદમાં લેતી હોઉં એમ મારો આત્મા ઉલ્લસી જાય