Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 57

background image
પધારો સીમંધર ભગવાન
સં. ૧૯૯૭ ના ફાગણ સુદ બીજ.....જ્યારે સોનગઢમાં વિદેહીનાથ સીમંધર
ભગવાન પધાર્યા.....ત્રીસ વર્ષ વીતી ગયાં એ વાતને! અને જ્ઞાનીજનોના ઉજ્જવળ
જ્ઞાનદર્પણમાં તો પ્રભુજીની પધરામણી એના કરતાંય વર્ષો પહેલાંં થઈ ગઈ
હતી....વિદેહીનાથનો વૈભવ જ્ઞાનીઓએ પોતાના અંતરમાં દેખી લીધો હતો....એમના જ
પ્રતાપે આપણને –ભરતક્ષેત્રના મુમુક્ષુઓને ભગવાન મળ્‌યા અને ભગવાનનો માર્ગ
મળ્‌યો....પરમ ઉપકાર છે સંતગુરુઓનો કે જેમણે આપણને આવા ભગવાનનો ભેટો
કરાવ્યો....ને ભગવાનની ઓળખાણ કરાવી.
સોનગઢમાં ભગવાનની પધરામણીનો એ ઉત્સવ દરવર્ષે આઠ દિવસ સુધી
ઉજવીએ છીએ.... ભક્તિદ્વારા આનંદપૂર્વક ભગવાનનો મહિમા અને બહુમાન કરીએ
છીએ. જ્ઞાનીના જ્ઞાનમંદિરમાં ને બહારમાં જિનમંદિરમાં સીમંધર પ્રભુ પધાર્યા ત્યારથી
સદાય ધર્મની વૃદ્ધિના પ્રસંગો બની રહ્યા છે......અનેક અનેક પ્રકારે ભગવાને મોટો
ઉપકાર કર્યો છે.....અહા! જાણે કે વિદેહમાં બેઠાબેઠા ભગવાન ભરતક્ષેત્રમાં પણ ધર્મતીર્થં
પ્રવર્તાવી રહ્યા છે. એવો આનંદ ગુરુદેવના પ્રતાપે આપણને પ્રાપ્ત થાય છે.
અહા! દેવ–ગુરુના શરણે આત્માને સાધવાનો પરમ અવસર આપણને પ્રાપ્ત
થયો છે. તો હવે આ અવસરમાં આપણે સૌ મુમુક્ષુ–સાધર્મીઓએ પણ પૂરા ઉલ્લાસથી
અને પાત્રતાથી આ દેવ–ગુરુના પરિવારમાં ભળી જવાનું છે. અહા! ભગવાન આપણા
કહેવાયા, ને આપણે ભગવાનના કહેવાયા–એનાથી ઊંચું બીજું શું!
વીતરાગી દેવ–ગુરુના આશ્રયે આપણા સૌમાં સાધર્મીપણાનો સંબંધ
બંધાયો....... ‘સાચું સગપણ સાધર્મીનું’ –એવા સાધર્મીપ્રેમ માટે હૃદયમાં હજાર હજાર
લાગણીથી લખવાનું મન થાય છે; આપણા સૌના દેવ એક, સૌના ગુરુ એક, સૌનો
સિદ્ધાંત એક, સૌનો ધર્મ એક, સૌનું ધ્યેય એક, સૌની વિચારધારા એક, –કેટલી મહાન
એકતા....ને કેવો મધુર સંબંધ! આટલી મહાન વાતોમાં જ્યાં એકતા છે ત્યાં બીજી
નજીવી બાબતોમાં અટકવાનું કેમ બને? અરે, એકદેશમાં રહેનારા માણસો વિભિન્ન
જાતિ અને વિભિન્ન ધર્મના હોવા છતાં દેશની એકતાના ગૌરવથી પરસ્પર પ્રેમથી રહે છે,
તો જ્યાં ધર્મની એકતા છે, દેવ–ગુરુની એકતા છે ત્યાં સાધર્મીપ્રેમની શી વાત! મુમુક્ષુ
જૈનો જાગો........ને આનંદપૂર્વક બોલો–
“હમ સબ સાધર્મી એક હૈ.......શ્રી દેવ ગુરુકી ટેક હૈ”