ः ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૭ :
* ઉપયોગમાં વિકાર નથી. જેમ સૂર્યના પ્રકાશમાં મેલ નથી તેમ આત્માના
ઉપયોગપ્રકાશમાં રાગાદિરૂપ મલિનતા નથી. ઉપયોગ તો શુદ્ધસ્વરૂપ છે. રાગને
ઉપયોગ જાણે ભલે, પરંતુ રાગની ને ઉપયોગની એકતા નથી પણ ભિન્નતા છે.
જ્ઞાન તે રાગ નથી; રાગ તે જ્ઞાન નથી. જ્ઞાન તે આત્મા છે. ઉપયોગસ્વરૂપે
પોતાના આત્માને અનુભવે તેમાં રાગાદિનો અત્યંત અભાવ છે; આવા
આત્માનો અનુભવ તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે. રાગ રાગમાં છે, જ્ઞાનમાં
રાગ નથી. ધર્મી પોતાના જ્ઞાનપણે પોતાને અનુભવે છે; જ્યાં જ્ઞાન છે ત્યાં હું છું;
રાગમાં હું નથી, ને જ્યાં હું છું ત્યાં રાગ નથી. આવું સ્પષ્ટ ભેદજ્ઞાન કરે ત્યારે
જીવને ધર્મ થાય, એટલે કે સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન પ્રગટે. આ સિવાય ધર્મ
થાય નહીં.
મોક્ષને માટે તુરત કરવા જેવું
* અહા, ચૈતન્ય ભગવાનની આ વાત! કયા શબ્દોથી તે કહેવી? એનો જે અંતરમાં
ભાવ છે તે ભાવને લક્ષમાં લ્યે ત્યારે ચૈતન્યભગવાનની કિંમત સમજાય.....બાકી
શબ્દોથી ગમે તેટલું કહેવાય તોપણ એનો પાર પડે તેમ નથી; ને શબ્દોના લક્ષે તે
સમજાય તેવો નથી; શબ્દાતીત વસ્તુ, ઈંદ્રિયાતીત ચૈતન્યવસ્તુ–તેમાં અંતરમાં
ઉપયોગને લઈ જાય તો તેના પરમ આનંદનો અનુભવ થાય. બાકી શબ્દો તો
શ્રવણેન્દ્રિયનો વિષય, ને આત્મા તો અતીન્દ્રિયજ્ઞાનનો વિષય,–ઈન્દ્રિયજ્ઞાનવડે
તે પકડાય તેવો નથી. સ્વયં ઈન્દ્રિયોથી પાર–રાગથી પાર થઈને તારા આત્મામાં
ઉપયોગને જોડ...તે ઉપયોગ રાગ વગરનો શુદ્ધ થયો, ઈન્દ્રિયના અવલંબન
વગરનો અતીન્દ્રિય થયો, પ્રત્યક્ષ થયો, આનંદરૂપ થયો. આવો
શુદ્ધોપયોગસ્વભાવી આત્મા તે સાચો આત્મા છે. આવા આત્માને નિર્ણયમાં
લઈને અનુભવ કરવો તે જ મોક્ષને માટે કરવાનું છે. તે ત્વરાથી કરવા જેવું છે,
તેમાં વિલંબ કરવા જેવું નથી. ધર્મી આવી ક્રિયાવડે મોક્ષને સાધે છે. આ સિવાય
રાગની ક્રિયા કે શરીરની ક્રિયા તે ખરેખર આત્માની ક્રિયા નથી, તે આત્માની
ધર્મક્રિયાથી જુદી છે. જન્મ–મરણનો અંત કરવાની ક્રિયા તો અંતરના
શુદ્ધોપયોગમાં સમાય છે. રાગથી પાર અંતરના ચિદાનંદ સ્વભાવને જાણીને ધર્મી
જીવ શુદ્ધોપયોગવડે અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્યે છે, તેમાં રાગાદિનો સ્વાદ
લેતો નથી. આવા સ્વાદનો અનુભવ થાય ત્યારે આત્માને જાણ્યો કહેવાય, ત્યારે
ધર્મ ને મોક્ષમાર્ગ થાય. માટે પહેલામાં પહેલું આવું આત્મજ્ઞાન ત્વરાથી કરવા
જેવું છે.