Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 57

background image
: ૨૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
સ્વપ્નનું દુઃખ જાગૃત
થતાં મટી ગયું
(સ્વપ્નમાં મરેલો ભાસ્યો તે જાગતા જીવતો જ છે.)
* * * * *
એક માણસ નિદ્રામાં સૂતો હતો; તેને સ્વપ્ન આવ્યું કે ‘હું મરી ગયો છું. ’ આ
રીતે પોતાનું મરણ દેખીને તે જીવ ઘણો દુઃખી ને ભયભીત થયો.
કોઈ સજ્જને તેને જગાડયો; જાગતાવેંત તેણે જોયું કે અરે, હું તો જીવતો જ આ
રહ્યો. હું કાંઈ મરી નથી ગયો. સ્વપ્નમાં મને મરેલો માન્યો તેથી હું બહુ દુઃખી થયો, પણ
ખરેખર હું જીવતો છું. આમ પોતાને જીવતો જાણીને તે આનંદિત થયો ને મૃત્યુ સંબંધી
તેનું દુઃખ મટી ગયું. અરે, જો તે મરી ગયો હોત તો ‘હું મરી ગયો’ એમ જાણ્યું કોણે?
જાણનારો તો જીવતો જ છે!
તેમ મોહનિદ્રામાં સૂતેલો જીવ, દેહાદિના સંયોગ–વિયોગથી સ્વપ્નની માફક એમ
માને છે કે હું મર્યો, હું જન્મ્યો; હું મનુષ્ય થઈ ગયો, હું તિર્યંચ થઈ ગયો. તે માન્યતાને
લીધે તે બહુ દુઃખી થાય છે પણ જ્ઞાનીએ જડ–ચેતનની ભિન્નતા બતાવીને તેને જગાડયો,
જાગતાં જ તેને ભાન થયું કે અરે, હું તો અવિનાશી ચેતન છું ને આ શરીર જડ છે તે
કાંઈ હું નથી; શરીરના સંયોગ–વિયોગે મારું જન્મ–મરણ નથી. આવું ભાન થતાં જ તેનું
દુઃખ દૂર થયું ને તે આનંદિત થયો કે વાહ! જન્મ–મરણ મારામાં નથી, હું તો સદા જીવંત
ચૈતન્યમય છું. હું મનુષ્ય કે હું તિર્યંચ થઈ ગયો નથી, હું તો શરીરથી જુદો ચૈતન્ય જ
રહ્યો છું. જો હું શરીરથી જુદો ન હોઉં તો શરીર છૂટતાં હું કેમ જીવી શકું? હું તો જાણનાર
સ્વરૂપે સદાય જીવંત છું.
જેમ સ્વપ્નમાં પોતાને મરેલો ભાસ્યો પણ જાગતાં તો જીવતો જ છે, તેમ
અજ્ઞાનદશામાં પોતાને દેહરૂપ માન્યો તે જ્ઞાનદશામાં જુદો જ અનુભવે છે.
સ્વપ્નમાં મૃત્યુની માફક, સ્વપ્નમાં કોઈ દરિદ્રી જીવ પોતાને સુખી કે રાજા માને,
પણ જ્યાં જાગે ત્યાં તો ખબર પડી કે એ સુખ સાચું ન હતું. તેમ મોહનિદ્રામાં સૂતેલો
જીવ બાહ્ય સંયોગોમાં–પુણ્યમાં–રાગમાં જે સુખ માને છે તે તો સ્વપ્નના સુખ જેવું છે.
જ્યાં ભેદજ્ઞાન કરીને જાગ્યો ત્યાં ભાન થયું કે અરે, બાહ્યમાં–રાગમાં ક્્યાંય મારું સુખ
નથી; તેમાં સુખ માન્યું તે તો ભ્રમ હતો, સાચું સુખ મારા આત્મામાં છે.