: ચૈત્ર : ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
નાનકડા બાળકોની કલમે
(તા. ૮–૩–૭૧ ના રોજ સોનગઢ જૈન વિદ્યાર્થીગૃહના
વિદ્યાર્થીઓ માટે સંપાદકદ્વારા યોજાયેલી ‘વ્યાખ્યાન–લેખન–
સ્પર્ધા’ માં બધા વિદ્યાર્થીઓએ ઉમંગથી ભાગ લીધો હતો, અને
એ રીતે અધ્યાત્મલેખનનાં સંસ્કાર મેળવ્યા હતા. તે બદલ
ધન્યવાદ! શ્રેષ્ઠ માર્ક મેળવનાર પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ આ
પ્રમાણે છે– (૧) ભાસ્કર પોપટલાલ માર્ક ૮૪; (૨)
જયેશકુમાર જયંતિલાલ માર્ક ૮૦; (૩) મગનલાલ ભીમજી
માર્ક ૭૮; (૪) ભરતકુમાર વીરચંદ માર્ક ૭૭; (પ) કમલેશ
શાંતિલાલ માર્ક ૬પ. લેખનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ૪૦
રૂા. ની કિંમતનાં ઈનામો અપાયા હતા. (આ ઈનામની રકમ
ગંગાબેન ખુશાલદાસ તરફથી આવેલ હતી.) ૧૨–૧૪ વર્ષની
વયના નાના વિદ્યાર્થીઓની કલમે લખાયેલ વ્યાખ્યાનમાંથી
કેટલોક ભાગ અહીં આપીએ છીએ.:)
* જે જાણે છે તે આત્મા છે; શરીર જડ છે; શરીર અને આત્માની ભિન્નતાનું
ભાન તે ભેદજ્ઞાન છે. આવા ભેદજ્ઞાનથી આત્મલાભ થાય છે. અને શરીર તથા આત્માને
એક માનવા તે અભેદબુદ્ધિરૂપ મિથ્યાજ્ઞાન છે, તેનાથી સંસાર થાય છે.
* પરથી ભેદ અને સ્વથી અભેદ એવું સમ્યગ્જ્ઞાન છે.
* જે જાણે છે તે જીવ છે; જીવ જ્ઞાનાનંદસ્વરૂપ છે, તે અતીન્દ્રિય આનંદમય છે.
શરીર અચેતન, જડ, નાશવાન છે. તે કાંઈ જાણતું નથી. લક્ષણભેદ દ્વારા સ્વ અને પરને
(ચેતન અને અચેતનને) ભિન્ન જાણવા જોઈએ; તો જ ધર્મ થાય.
* અજ્ઞાની શરીરમાં અહંબુદ્ધિ કરે છે.
* ભગવાન આત્મા ચેતન છે, તેમાં રાગ નથી. ચેતનને ચેતન, અને અચેતનને
અચેતન જાણીને પોતાના ચેતનસ્વભાવનો અનુભવ કરવો તે પ્રજ્ઞા છે. તે મોક્ષનું કારણ છે.
* જેમ હંસ દૂધ અને પાણીને જુદા પાડે છે, તેમ મોક્ષને સાધવા માટે વિવેકદ્વારા
જીવ અને અજીવને જુદા જાણવા જોઈએ.