Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 69

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
आत्मज्ञानात् परं कार्य न बुधो धारयेत् चिरम्।
બુધજનો–જ્ઞાનીજનો–સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માઓ પોતાના ચિત્તને વારંવાર અંતરમાં
વાળીને જ્ઞાનનિધાનને ભોગવે છે; બીજા કોઈ બાહ્યભાવોને તેઓ ચિરકાળ સુધી ધારણ
કરતા નથી; એ બાહ્યભાવો તો ક્ષણભંગુર છે, એની પ્રીતિ જ્ઞાનીને નથી. અને આત્માનું
જે સહજ શુદ્ધસ્વરૂપ તેમાં કોઈપણ પરભાવ ન હોવાથી, તે શુદ્ધસ્વરૂપના અનુભવમાં
પરભાવને ટાળવાની ચિંતા પણ નથી રહેતી; સ્વતત્ત્વના પરમ આનંદનો જ અનુભવ
છે. આવા આનંદરૂપ ચેતનભગવાન આત્મા પોતે જ સદા પોતાના અંતરમાં બિરાજી
રહ્યો છે.
અરે, ભગવાન અંદર તારામાં પધાર્યા......ને તેં તેની સાથે વાતું ન કરી......તારા
ભગવાનને તેં ન દેખ્યા...એની સામું પણ ન જોયું? પરભાવની વાતમાં રોકાયો ને
અંદરના ચૈતન્યભગવાનની સાથે વાત કરવા નવરો ન થયો? ભગવાન અંદર છે ને તું
તે ભગવાનની સામે નથી જોતો? –તો તને ડાહ્યો કોણ કહે? તને વિચારવાન કોણ કહે?
આત્માની રુચિ છોડીને પરભાવની રુચિ કરે તેમાં તો કલેશ છે.
અરે, ચૈતન્ય આનંદનું ધામ, –તેને જ વારંવાર ચિંતવવા જેવું છે, તેમાં જ તત્પર
થવા જેવું છે, તેની ‘ભાવના’ એટલે તે–મય પરિણતિ કરવા જેવી છે. –એ જ એક
બુદ્ધિમાન ડાહ્યા પુરુષોનું કામ છે.
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને,
તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પરદ્રવ્યો વિષે.
* * * * *
અમારું સુંદર સ્થાન
અહા, કેવો સ્વતંત્ર અને સુંદર આત્મસ્વભાવ છે! બસ,
આવા સ્વભાવથી આત્મા શોભે છે, તેમાં વચ્ચે રાગ કે વિકલ્પ
ક્્યાં રહ્યો? આત્માના વૈભવમાં વિભાવ નથી. આવા
સ્વભાવવાળો જ્ઞાનમાત્ર આત્મા તે ખરો આત્મા છે. આવા
આત્માને શ્રદ્ધે–જાણે–અનુભવે તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, ને
તે મોક્ષમાર્ગ છે. ભવથી થાકેલા આત્માર્થીને આરામનું સ્થાન છે.