: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
ચૈતન્ય હીરો
મદ્રાસના ઉત્સાહી કોલેજિયન ભાઈશ્રી હસમુખ. જે. જૈન
‘આત્મધર્મ’ વગેરે વાંચીને પોતાના વિચારો આ ‘ચૈતન્ય હીરો’
નામની વાર્તારૂપે લખી મોકલ્યા છે–જેનો ઉલ્લેખ આપણે
ગતાંકમાં વાંચ્યો હતો, તે વાર્તા યોગ્ય સંશોધન સહિત અહીં
આપવામાં આવે છે; કોલેજની પરીક્ષાઓ જ્યારે અત્યંત નજીક
હતી ત્યારે પણ કોલેજના અભ્યાસ સાથે ધાર્મિક વાંચન ચાલુ
રાખીને લખાયેલી આ વાર્તા આપણા યુવાનબંધુઓને તેમજ
માતાઓને ઉત્તમ પ્રેરણા આપશે, અને ચૈતન્યવિદ્યા માટે
પ્રોત્સાહન પણ આપશે.(–સં.)
ભારતમાં એક નગરી હતી. –જાણે સોનાની હોય એવી તે સુંદર નગરીમાં બે
મિત્રો રહેતા હતા. એકનું નામ જિનનંદન, બીજાનું નામ લક્ષ્મીનંદન.
જિનનંદનની માતા હીરાબાઈએ તેને જિનધર્મના ઉત્તમ સંસ્કાર આપ્યા હતા;
જોકે તેઓ દરિદ્ર હતા, તેમની પાસે ધન–વૈભવ બહુ ન હતો, ઘર પણ નાનું હતું; પણ તે
ઘરમાં ધર્મના ઉત્તમ સંસ્કારોથી તેમનું જીવન શોભતું હતું. ગરીબ હોવા છતાં
ધર્મસંસ્કારને લીધે તેઓ સંતોષી અને સુખી હતા.
બીજો લક્ષ્મીનંદન, –તેના ઘરમાં ધન–વૈભવ, હીરા–ઝવેરાતની રેલમછેલ હતી.
છતાં સુખ ન હતું, કેમકે ધર્મના સંસ્કાર તે ઘરમાં ન હતા. બાહ્ય વૈભવના મોહથી તેઓ
દુઃખી હતા.
એકવાર તે લક્ષ્મીનંદનનો જન્મદિવસ હતો, સાથેસાથે જિનનંદનો પણ
જન્મદિવસ તે જ દિવસે હતો. બંને મિત્રોએ સાથે મળીને ખૂબ આનંદ કર્યો.
જન્મદિવસની ખુશાલીમાં લક્ષ્મીનંદનના પિતા ધનજી શેઠે તેને અનેક જાતની મીઠાઈ
ખવડાવી, કિંમતી વસ્ત્રો પહેરાવ્યાં અને એક સુંદર વીંટી પહેરાવી–જેની વચ્ચે એક સુંદર
હીરો ઝગઝગાટ કરતો હતો.