: ૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
૩પ. રાગમાં એવો સ્વભાવ નથી કે પોતે પોતાને જાણે. રાગ પોતે રાગને નથી
જાણતો, ને આત્માને પણ નથી જાણતો–કેમકે તેનામાં ચેતનસ્વભાવ નથી.
૩૬. ચેતનસ્વભાવી આત્મા જ એવો છે કે સ્વયં પોતે પોતાને જાણે છે, ને રાગને પણ
જાણે છે, પોતે પોતાને જાણવા માટે બીજા કોઈની જરૂર પડતી નથી. –આવો
ચૈતનસ્વભાવ તે આત્મા છે.
૩૭. ક્રોધાદિ પરભાવોને જાણવા માટે તો તેનાથી જુદા એવા બીજાની (એટલે કે
જ્ઞાનની) જરૂર પડે છે, કેમકે ક્રોધાદિભાવોમાં સ્વ–પરને જાણવાનો સ્વભાવ
નથી.
૩૮. આ રીતે આત્મા અને ક્રોધાદિનું અત્યંત ભિન્નપણું છે. તે ક્રોધાદિ ભાવો
આત્માના ચેતનસ્વભાવમાં પ્રવેશ કરતાં નથી, બહાર જ રહે છે.
૩૯. રાગાદિ ભાવો (અશુભ કે શુભ બધાય) ચેતનસ્વભાવથી બહાર છે તેથી તેમને
જડસ્વભાવ કહ્યા છે. તે જડસ્વભાવરૂપ રાગાદિ ભાવોનું કર્તૃત્વ તારા
ચેતનસ્વભાવમાં કેમ હોય?
૪૦. અરે, અનાદિ અજ્ઞાનથી, જ્ઞાનને અને રાગાદિને એકમેક માનીને જીવ પોતાને
રાગાદિરૂપે જ અનુભવતો થકો તેનો કર્તા થાય છે. આ અજ્ઞાનજનિત
કર્તાપણાથી જ કર્મો બંધાય છે.
૪૧. ચેતનસ્વભાવમાં વળેલું જ્ઞાન, કે જે જ્ઞાનમાં રાગાદિનો સર્વથા અભાવ છે, તે
જ્ઞાન વડે ધર્મ થાય છે ને કર્મ અટકે છે.
૪૨. ધર્મ કહો કે ભેદજ્ઞાન કહો, કે આત્માનું વીતરાગી સુખ કહો, તે અપૂર્વ ચીજ છે.
અંદરમાં લક્ષગત કરીને તેનો પ્રયોગ કરવા જેવો છે.
૪૩. આ ચૈતન્યતત્ત્વ તો અચરજની ચીજ છે. એનો અનુભવ પણ પરમ આનંદકારી
છે. રાગવડે કે ઈંદ્રિયજ્ઞાન વડે એનો અનુભવ થતો નથી.
૪૪. શરીરની ક્રિયામાં કે રાગમાં મળી જાય એવો સોંઘો આત્મા નથી. આત્મા તો
આત્મા તરફ ઝુકેલા અતીન્દ્રિયજ્ઞાન વડે જ પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી
રીતે આત્માનો ધર્મ લેવા જાય તો તેને ધર્મ નહીં મળે. એની મહેનત નકામી
જાશે ને સંસારભ્રમણ થાશે.