: ૩૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
(બીજી રત્નમાળા પ૭ રત્નોની શરૂ)
પોરબંદરમાં સમુદ્રકિનારે કહાનગુરુના શ્રીમુખથી જિનવાણીનો વીતરાગી
પ્રવચનસમુદ્ર ઉલ્લસી રહ્યો છે ને હજારો શ્રોતાજનો એના મધુર તરંગો ઝીલી
રહ્યા છે; તે પ્રવચનસમુદ્રનાં રત્નો વડે ગૂંથેલી ૨૦૧ રત્નોની માળા આપ વાંચી
રહ્યા છો.
૮૩. ભેદજ્ઞાન તે મંગળરૂપ છે.
૮૪. ભેદજ્ઞાન તેને કહેવાય કે જે રાગાદિ સમસ્ત પર ભાવોથી જુદું પડે અને
જ્ઞાનભાવરૂપ થઈને પરિણમે.
૮પ. રાગમાં જે તન્મય રહે, રાગના અંશથી જે લાભ માને, રાગને ધર્મનું સાધન
માને, તે તો અજ્ઞાન છે, તેને ભેદજ્ઞાન કહેતા નથી. સાચું જ્ઞાન તો આત્મા તરફ
ઝુકેલું છે, અને રાગાદિથી જુદું પડેલું છે.
૮૬. આવું સમ્યગ્જ્ઞાન કેમ થાય? આત્માના અનુભવની બહુ જિજ્ઞાસાથી શિષ્ય પૂછે
છે કે પ્રભો! આત્માનું આવું જ્ઞાન કઈ રીતે પ્રગટ કરવું? તે જ્ઞાનમાં આત્મા કેવો
અનુભવાય છે? –આવી ધગશવાળા શિષ્યને શ્રીગુરુ આત્માના અનુભવની રીત
સમજાવે છે. (સ. ગાથા ૭૩)
૮૭. આત્માની અલૌકિક ચૈતન્યવિદ્યાની આ વાત છે. આ ચૈતન્યવિદ્યાનાં ભણતર
જીવ કદી ભણ્યો નથી. અંતરના અપૂર્વ અભ્યાસ વડે પોતે પોતાના આત્માને
પ્રત્યક્ષ અનુભવમાં લેવાની આ વાત છે.
૮૮. આત્મા પોતે પોતાને જાણી શકે છે. ઈન્દ્રિયજ્ઞાનવડે આત્મા અગોચર છે, પણ
સ્વાનુભૂતિરૂપ અતીન્દ્રિયજ્ઞાનમાં તો પોતે પોતાને ગમ્ય થાય છે એટલે
અનુભવગોચર છે.
૮૯. આવા આત્માને અંદરના નિર્વિકલ્પ અનુભવવડે અનુભવગમ્ય કરીને, તે
અનુભવના આનંદમાં કલમ બોળીબોળીને કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્ર રચ્યું છે.
જેવા રંગની શાહી હોય તેવા અક્ષર લખાય, તેમ ચૈતન્યના રંગવાળી,
સ્વાનુભવરૂપી શાહીથી લખાયેલ આ શાસ્ત્રમાં આત્માના અનુભવનું વર્ણન છે.
૯૦. અનુભવ કરનાર જીવ પહેલાંં તો જ્ઞાનના બળથી આત્માના શુદ્ધ સ્વરૂપનો
નિર્ણય કરે છે; તે નિર્ણય કરીને અંર્તસન્મુખ થાય છે.