: ૬૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
પ૩ પ્રશ્ન:– આત્મા બળવાન કે કર્મ?
ઉત્તર:– આત્માનું અનંત બળ આત્મામાં, કર્મનું બળ કર્મમાં; પણ કોઈ તત્ત્વનું બળ
બીજા ઉપર ચાલતું નથી.
પ૪ પ્રશ્ન:– જૈન મુનિઓ સફેદ વસ્ત્રો જ કેમ રાખે છે?
ઉત્તર:– मूलं नास्ति कुतो शाखा? જૈન સાધુઓને વસ્ત્ર જ હોતાં નથી, પછી તેના
રંગની શી વાત? વસ્ત્રસહિત દશામાં શ્રાવકપણું હોઈ શકે, સાધુપણું ન હોય.
પપ પ્રશ્ન:– આત્મા નિરંજન–નિરાકાર છે તો તેને કયા સાધનવડે પ્રાપ્ત કરી શકાય છે?
(કાંતિલાલ જૈન....દામનગર)
ઉત્તર:– જે સાધનવડે આત્માનું નિરંજન–નિરાકારપણું નક્કી થાય છે તે જ સાધન
વડે તેની પ્રાપ્તિ (એટલે કે સ્વાનુભૂતિ) થાય છે; આત્મા કાંઈ બીજે ક્્યાંય
નથી કે તેને પ્રાપ્ત કરવાનો હોય; પોતે જ આત્મા છે.....અંતર્મુખ ચેતનાવડે
પોતે પોતાનો અનુભવ કર્યો એને જ આત્મપ્રાપ્તિ (પ્રાપ્તની પ્રાપ્તિ)
કહેવાય છે.
પ૬. પ્રશ્ન:– આત્મા અને દેહ જુદા હોવા છતાં દુઃખ વખતે આંખમાં આંસુ કેમ આવે છે?
ઉત્તર:– તે પ્રકારનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે.
પ૭. પ્રશ્ન:– આત્માની સાધના માટે વ્રત–તપની આવશ્યકતા ખરી?
ઉત્તર:– તે સમજવા માટે પહેલાંં વ્રત–તપનું અને આત્મસાધનાનું સ્વરૂપ ઓળખવું
જોઈએ. પ્રથમ તો આત્માની સાધના એટલે કે પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષની
સાધના, તે શુદ્ધ વીતરાગભાવવડે જ થાય છે, રાગવડે થતી નથી.
હવે વ્રત–તપ બે જાતનાં છે–એક વીતરાગભાવરૂપ નિશ્ચય–તપ; અને
બીજા શુભરાગરૂપ વ્યવહાર વ્રત–તપ. બસ, આટલું સમજતાં તમારા પ્રશ્નનો
ઉત્તર તમને મળી જશે.
પ૮:– રાગાદિ ભાવો જીવની પર્યાયમાં થાય છે છતાં સમયસારમાં તેને પુદ્ગલનાં
કેમ કહ્યા? (વિમળાબેન, હિંમતનગર)
ઉત્તર:– કેમકે શુદ્ધ જીવની અનુભૂતિથી તે બહાર રહી જાય છે, માટે તેને જીવ ન
કહ્યો. પુદ્ગલમય છે એટલે ચેતનમય નથી–એમ સમજવું.