પ્રવચન સાક્ષાત્ સાંભળીને તેનો સાર આ પરમાગમમાં ગૂંથ્યો છે. તેના મંગલાચરણમાં
શ્રી અમૃતચંદ્રસ્વામી જ્ઞાનાનંદસ્વરૂપ ઉત્કૃષ્ટ આત્માને નમસ્કાર કરે છે. કેવો છે તે
આત્મા? – કે પોતાના અનુભવથી જે પ્રસિદ્ધ છે; તેની પ્રસિદ્ધિ કોઈ રાગવડે થતી નથી,
તે તો પોતાના અનુભવથી જ પ્રસિદ્ધ થાય છે. અનંતા સિદ્ધ ભગવંતો થયા તેઓ
આત્માનો અનુભવ કરી કરીને જ સિદ્ધ થયા છે. પહેલાંં સમ્યગ્દર્શનમાં પણ આત્મા
સ્વાનુભવ–પ્રત્યક્ષ થાય છે. આવા સ્વાનુભવપ્રત્યક્ષ ચૈતન્યસ્વરૂપ પરમ આનંદમય
આત્માને લક્ષમાં લઈને તેમાં વળવું – ઢળવું – નમવું તે અપૂર્વ મંગળ છે.
પરભાવો તેમાં અસત્ છે – એમ અસ્તિ – નાસ્તિરૂપ અનેકાન્તવડે આત્માનું સ્વરૂપ
પ્રકાશે છે. આવું અનેકાન્તમય તેજ જયવંત છે. અહો! સર્વજ્ઞ પરમાત્માએ અનેકાન્તવડે
પ્રકાશેલું આત્મસ્વરૂપ લક્ષમાં લેતાં મિથ્યાત્વાદિ મોહનો લીલામાત્રમાં નાશ થઈ જાય છે.
આત્માનો ઝણઝણાટ જાગી જાય – એવા પરમ આનંદના પિપાસુ ભવ્ય જીવોને માટે
આ શાસ્ત્રમાં અમે જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા બતાવશું. અહો, આ ચૈતન્યના અતીન્દ્રિય
આનંદની વીણા સાંભળતાં જિજ્ઞાસુનો આત્મા ડોલી ઊઠે છે.
મુનિરાજ છે ટીકાકાર પણ મુનિરાજ છે. હજાર વર્ષ પહેલાંં થયેલા એક મુનિરાજની દશા,
હજાર વર્ષ પછી પણ બીજા મુનિ ઓળખી લ્યે છે. – એવી સ્વસંવેદન જ્ઞાનની તાકાત છે.
પોતાના આત્માને પ્રત્યક્ષ કરનારા ધર્માત્મા બીજા ધર્માત્માની દશાને પણ અનુમાન
વગેરેથી ઓળખી લ્યે છે. જેને પોતાનો આત્મા પ્રત્યક્ષ થયો નથી, પોતે પોતાને જ
ઓળખ્યો નથી, તે બીજા આત્માની સાચી ઓળખાણ કરી શકતો નથી. – કેમકે પ્રત્યક્ષ
વગરના એકલા અનુમાનથી કે ઈંદ્રિયજ્ઞાનથી આત્મા જણાય નહીં.