: ૩૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
* લોકો કહે છે ‘પ્રેમ ધર્મની જય.’ અહીં તો કહે છે કે ‘અનુભવધર્મનો જય હો.’
પરનો પ્રેમ એટલે રાગ, તે તો સંસારનું કારણ છે, તેનો તો ક્ષય કરવા જેવો છે.
અરે જીવ! આત્માનો જે પરમ સ્વભાવ તેને તો પ્રેમ ન કર્યો ને પરભાવનો પ્રેમ
કરીને તેમાં સુખ માન્યું એ તો મૂર્ખતા છે. બાપુ! તારા હિત માટે પરભાવની
પ્રીતિ છોડીને આત્મામાં પ્રીતિ જોડ, ને તેનો અનુભવ કર. કેમકે આત્માનો
અનુભવ તે જ મોક્ષનું કારણ છે, તેથી વીતરાગ માર્ગમાં તે જ જયવંત છે. આવો
આત્મઅનુભવ કરવો તે જ વીતરાગી શાસ્ત્રોનું તાત્પર્ય છે.
* –આવા મહિમાવંત આત્માના અનુભવ સિવાય બીજા કોઈ વ્યવહારને – રાગને
મહિમા આપતાં આત્માનું અપમાન થાય છે – એની અજ્ઞાનીને ખબર નથી.
બાપુ! બીજાનો મહિમા છોડીને પરમ મહિમાવંત એવા તારા આત્માને જાણ.
* દરેક દ્રવ્ય પોતાના અનંત પર્યાયો સહિત છે; ચેતનસ્વરૂપ જીવ દ્રવ્ય પણ
પોતાના અનંત ગુણો ને અનંત પર્યાયો સહિત છે. – આવો આત્મા છે તે
જૈનશાસનમાં સર્વજ્ઞભગવાને જ જોયો છે, સંતોએ તે અનુભવીને આગમોમાં
કહ્યો છે. આવા જીવ દ્રવ્યને ઓળખીને અંતરમાં રાગના વિકલ્પ રહિત તેનો
અનુભવ કરવો તે ધર્મ છે. (ચાલુ)
વિશ્વનું મહાન જાદુ
સૌરાષ્ટ્ર વિશ્વપ્રસિદ્ધ જાદુગર કે૦ લાલ (– કે જેઓ જૈન સંસ્કાર ધરાવે છે,
તેઓ) વૈશાખ માસમાં રાજકોટ મુકામે પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામી પાસે દર્શન
કરવા આવેલા, અને ચૈતન્ય–ચમત્કારની વાત સાંભળીને કહ્યું કે – મહારાજ!
અમારી જાદુગરી એ તો બધું ધતીંગ છે, એ તો બધી ચાલાકી છે; ખરો ચમત્કાર
તો આત્માનો છે – જે આપ બતાવો છો. બાકી બીજા ઘણા પણ જાદુના નામે
ધતીંગ ચલાવી રહ્યા છે.
ખરેખર, આત્માનો ચૈતન્ય – ચમત્કાર કોઈ અદ્ભુત છે. એક નાનકડા
ક્ષેત્રમાં આખા જગતનું જ્ઞાન સમાઈ જાય, જેની સામે જોતાં આખું વિશ્વ દેખાઈ
જાય, અને અનંત આનંદના ખજાના જેમાં ભર્યા છે – એવું ચૈતન્યતત્ત્વ જગતમાં
અદ્ભુત આશ્ચર્યકારી છે. જેણે આવા ચૈતન્ય ચમત્કારને જાણ્યો તેને જગતનો
કોઈ ચમત્કાર આશ્ચર્ય ઉપજાવતો નથી.
આ રીતે આત્મતત્ત્વ એ જ વિશ્વનું સૌથી મહાન જાદુ છે; એ
જાદુને કોઈ વિરલા જ જાણે છે.