: ૩૦ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
હોય છે. આ તો આત્મા જેને વહાલો હોય તેની વાત છે. જેને સંસાર ને પૈસા વગેરે
વહાલા લાગતા હોય, જેને રાગ અને પુણ્ય વહાલા લાગતા હોય તેને આત્માની વાત
ક્યાંથી ગમશે? આત્મા તો એ બધાથી રહિત, એક જ્ઞાનનંદસ્વરૂપ છે. આવું
આત્મસ્વરૂપ સમજવાની અંદરમાં સાચી જિજ્ઞાસા પણ બહુ થોડા જીવોને જાગે છે.
અને સાક્ષાત્ અનુભવ કરનારા તો અતિ વિરલ છે.
સ્વસંવેદન જ્ઞાનવડે પોતાના આત્માને પરમેશ્વરપણે અનુભવમાં લીધો ત્યારે
રાગાદિ પરભાવોથી અત્યંત ભિન્નતા થઈ. આત્માની અનુભૂતિ વિકલ્પોથી પાર છે;
કર્તા–કર્મ વગેરેના ભેદો તેમાં નથી; જ્ઞાનમાં ઈન્દ્રિયોનું અવલંબન નથી; આત્મા સ્વયં
પ્રત્યક્ષ, વિજ્ઞાનઘન છે; વિકલ્પોથી પાર અનુભૂતિમાત્ર છે. – આમ પોતાના સ્વરૂપનો
નિર્ણય કરીને જ્યાં અંતરમાં વળે છે ત્યાં ચૈતન્યસમુદ્ર પોતે પોતાના શાંતરસમાં મગ્ન
થાય છે, વિકલ્પનાં વમળ શમી જાય છે ને આસ્રવો છૂટી જાય છે. આ રીતે જ્ઞાનનો
અનુભવ તે જ દુઃખથી છૂટવાનો રસ્તો છે.
જીવને અરિહંત ભગવાન અને સિદ્ધભગવાન જેવું મોટું થવું છે; તો પોતાને
તેમના જેવો મોટો (પૂર્ણસ્વભાવથી ભરેલો) માન્યે મોટો થવાય, કે પોતાને રાગ
જેટલો તુચ્છ નાનો માન્ય મોટો થવાય? સિદ્ધભગવાન જેવું જ શુદ્ધ ચિદાનંદ મારું
સ્વરૂપ છે– એમ અંતર્મુખ નિર્ણય કરીને, તે સ્વરૂપના અનુભવ વડે આત્મા પોતે
કેવળજ્ઞાનાદિ પ્રગટ કરીને સિદ્ધભગવાન જેવો મહાન થાય છે. પણ, હું તો રાગનો
કર્તા, હું તો શરીરનો કર્તા–એમ અનુભવનાર જીવ કદી મહાન થાય નહીં. ભેદજ્ઞાન
વડે જ મહાનુપણું થાય છે.
ભાઈ, બીજાના આશરાથી તું સુખી થવા માગે, તે તો તારી દીનતા છે.
મહાનતા તો એમાં છે કે –હું પોતે સર્વજ્ઞતા ને પૂર્ણ આનંદથી ભરપૂર ભગવાન છું,
મારા જ્ઞાન કે સુખ માટે કોઈ બીજાનું આલંબન નથી –એમ સ્વસંવેદનથી પોતાના
આત્માની શ્રદ્ધા કરવી. જે સિદ્ધને તું નમસ્કાર કરે છે તેમના જેવા થવાનું સામર્થ્ય
તારામાં પણ છે. જ આત્મા જ પોતે પરમાત્મા થાય છે. ‘अप्पा सो परमप्पा’ (સર્વ
જીવ છે સિદ્ધસમ.)
અરે જીવ! આવા સ્વરૂપને સાધવાના ટાણે તું નિશ્ચિત થઈને મોહની ઊંઘમાં
કાં સૂતો? તું જાગ રે જાગ! તારા ચૈતન્યના નિધાન લૂંટાઈ જાય છે, તેને સંભાળ!
આત્મભાન વિના બાહ્યક્રિયા અને રાગના મોહમાં તું સંસારમાં રખડી રહ્યો છે, તેનાથી
છૂટવાનો હવે આ અવસર તને મળ્યો છે. તો સત્સમાગમે આત્માના સ્વભાવનો
નિર્ણય કર. એવો દ્રઢ નિર્ણય કર કે નિર્વિકલ્પ થઈને સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભવ થાય.