Atmadharma magazine - Ank 333
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 44

background image
: ૩૨ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
સ્વભાવની વાત સાંભળતાં ભડકીને દૂર નથી ભાગતો, પણ સ્વભાવની વાત
સાંભળવા પ્રેમથી નજીક આવે છે, ને સાંભળીને તેની રુચિ કરીને સ્વભાવમાં નજીક
આવે છે. આવો નિકટવર્તી શિષ્ય વ્યવહારના ભેદકથનમાં ન અટકતાં તેનો પરમાર્થ
સમજીને આત્માના સ્વભાવનો અનુભવ કરી લ્યે છે. કેવો અનુભવ કરે છે? – કે
અનંત ધર્મોને જે પી ગયો છે, અને જેમાં અનંત ધર્મોનો સ્વાદ પરસ્પર (કિંચિંત્
મળી ગયેલો છે – એવો એક અભેદ સ્વભાવપણે ધર્મી પોતાને અનુભવે છે. જ્ઞાન–
દર્શન–ચારિત્રના ભેદને તે નથી અનુભવતો આવો અનુભવ કરવા માટે તત્પર
થયેલા નીકટવર્તી શિષ્યજનને માટે આ શુદ્ધાત્માનો ઉપદેશ છે. પોતાના સ્વાનુભવથી
જ આવો આત્મા પમાય છે, બીજા કોઈ પ્રકારે પમાતો નથી.
ધર્મી અને ધર્મ વચ્ચે સ્વભાવભેદ નથી; છતાં ભેદનો વિકલ્પ કરે તો એક
ધર્મી –આત્મા અનુભવમાં આવતો નથી. એટલે ભેદરૂપ વ્યવહારને ઓળંગીને,
અનંતધર્મસ્વરૂપ એક આત્માને સીધો લક્ષમાં લેતાં નિર્વિકલ્પપણે શુદ્ધ આત્મા
અનુભવમાં આવે છે.
પોતાની ચૈતન્યવસ્તુનો અનુભવ કરતાં ગુણગુણીભેદનો વિકલ્પ પણ નથી
રહેતો, નિર્વિકલ્પ આનંદનો અનુભવ રહે છે. એકલો આનંદ નહિ પણ અનંત ગુણનો
રસ અનુભવમાં એક સાથે વર્તે છે. સમ્યગ્દર્શન થતાં આવી દશા થાય છે.
સમ્યગ્દર્શન થવા કાળે શુદ્ધોપયોગ હોય છે; પણ, ‘આ શુદ્ધોપયોગ અને હું
આત્મા’ એવો ભેદ પણ ત્યાં નથી; અભેદ એક વસ્તુનો જ અનુભવ છે. ‘હું શુદ્ધ છું’
એવો પણ વિકલ્પ અનુભૂતિમાં નથી. ‘હું જ્ઞાયક છું’ – એવા વિકલ્પથી શું? તે
વિકલ્પમાં કાંઈ આત્મા નથી. વિકલ્પથી પાર થઈને જ્ઞાન જ્યારે સ્વસન્મુખ એકાગ્ર
થયું ત્યારે આત્મા સાક્ષાત્ અનુભવમાં આવ્યો, ત્યારે તે જ્ઞાન ઈન્દ્રિયોથી ને
આકુળતાથી પાર થઈને આત્મામાં વળ્‌યું. આત્મા પોતાના યથાર્થસ્વરૂપે પોતામાં
પ્રસિદ્ધ થયો. આવી સમ્યગ્દર્શનની રીત છે.
અનાદિનું તો મિથ્યાત્વ છે, પણ જ્ઞાન જ્યાં જાગ્યું ને જ્ઞાનસ્વભાવરૂપ
પોતાનો નિર્ણય કરીને, રાગથી જુદું પડી સ્વસન્મુખ થયું ત્યાં એકક્ષણમાં સમ્યગ્દર્શન
થાય છે. એકક્ષણમાં મિથ્યાત્વનો નાશ કરીને સમ્યગ્દર્શન કરવાની આત્મામાં અચિંત્ય
તાકાત છે.