: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૩૩ :
સમ્યગ્દર્શન માટે શુદ્ધ આત્માનું સ્વરૂપ આચાર્યદેવ સમજાવે છે ત્યારે જિજ્ઞાસુ
શિષ્ય આંખો ફાડીને એટલે કે સમજવાની ધગશથી જ્ઞાનને એકાગ્ર કરીને લક્ષમાં લ્યે
છે; તેને શુદ્ધાત્માને લક્ષમાં લેવાની ઇંતેજારી છે. સાંભળતાં – સાંભળતાં ઊંઘતો નથી,
અથવા સંદેહ કે કંટાળો કરતો નથી, પણ ટગટગ મીટ માંડીને સમજવા તરફ જ્ઞાનને
એકાગ્ર કરે છે.
શુદ્ધાત્માનું સ્વરૂપ સાંભળતાં તત્કાળ જ તેમાં ઉપયોગ લગાવીને એકાગ્ર કરે
છે, પ્રમાદ કરતો નથી, ‘પછી વિચાર કરીશ, ઘરે જઈને પછી કરીશ, ફૂરસદે કરીશ’ –
એમ બેદરકારી કરતો નથી, પણ તત્ક્ષણે જ તેવા શુદ્ધ આત્મામાં ઉપયોગને એકાગ્ર
કરે છે ને આનંદપૂર્વક આત્માને અનુભવે છે. આવી ઉત્તમ પાત્રતાવાળો શિષ્ય તરત
જ સમ્યગ્દર્શન પામી જાય છે. જેમ ઋષભદેવના જીવને જુગલિયાના ભવમાં
મુનિઓએ સમ્યગ્દર્શનનો ઉત્તમ ઉપદેશ આપીને કહ્યું કે કે હે આર્ય! તું હમણાં જ
આવા સમ્યક્ત્વને ગ્રહણ કર [तत्गृहाणाद्य सम्यक्त्वं तत्लामे काल पष ते।] –
મુનિઓનો તે ઉપદેશ સાંભળતાંવેંત તે જ ક્ષણે અંતર્મુખ થઈને તે જીવે સમ્યગ્દર્શન
પ્રગટ કર્યું. – આ રીતે ઉત્તમ પાત્રતાવાળા જીવની વાત લીધી છે, કે જેને ઉપદેશ
સાંભળતાંવેત તરત અંતરમાં પરિણમી જાય છે.
શ્રીગુરુએ જ્ઞાયકઆત્મા બતાવ્યો; અને શિષ્યને સમજાવવા માટે એકલો ભેદ
પાડીને કહ્યું કે ‘જ્ઞાન–દર્શન–ચારિત્રસ્વરૂપ આત્મા છે.’ –એટલું સાંભળતાં પણ
શિષ્ય, દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદના વિકલ્પમાં ઊભો ન રહ્યો પણ જ્ઞાનને અભેદમાં
એકાગ્ર કરીને સીધો આત્માને પકડી લીધો કે અહો! આવો મારો આત્મા ગુરુએ મને
બતાવ્યો! આ રીતે શ્રીગુરુએ અભેદ આત્મા સમજાવવા ભેદ પાડીને સમજાવ્યું અને
પાત્ર શિષ્ય પણ તત્કાળ ભેદનું લક્ષ છોડીને અભેદ આત્માને સમજી ગયો. વાર ન
લગાડી, બીજા કોઈ લક્ષમાં ન અટક્યો, પણ તરત જ જ્ઞાનને અંતરમાં ટગટગ
એકાગ્ર કરીને આત્માને સમજી ગયો. સમજતાં તેને આત્મામાં શું થયું? – કે તત્કાળ
અત્યંત આનંદ સહિત સુંદર બોધતરંગ ઊછળવા લાગ્યા. અહા, જ્ઞાન સાથે પરમ
આનંદના તરંગ ઊછળ્યા. જાણે આખો આનંદનો દરિયો ઊછળ્યો. પોતામાં જ
આનંદનો દરિયો દેખ્યો. નિર્વિકલ્પ અનુભૂતિ કરીને ભગવાનસ્વરૂપે પોતે જ પોતામાં
પ્રગટ થયો.
જેમ આ શિષ્યે તત્કાળ નિર્વિકલ્પ આનંદસહિત આત્માનો અનુભવ કર્યો તેમ
દરેક જીવમાં એવો અનુભવ કરવાની તાકાત છે. અંદર જ્ઞાનને એકાગ્ર કરવું જોઈએ.