સુંદર ગંધફૂટી પર બિરાજમાન પદ્મપ્રભુની ગુલાબી પ્રતિમા અતિ ઉપશાંત – મનોજ્ઞ ને
શાંતભાવપ્રેરક છે. તે ઉપરાંત બીજા અનેક જિનબિંબો, બાહુબલી ભગવાન વગેરે પણ
બિરાજે છે. ગુરુદેવ સાથે આનંદોલ્લાસપૂર્વક દર્શન કરી અર્ધપૂજા કરી, ને પુ. બેનશ્રી –
બેને પદ્મપ્રભુના મનોહરદરબારમાં વીતરાગી પદ્મપ્રભુની અદ્ભુત ભક્તિ કરાવી.
ખરેખર, વીતરાગ ભગવાનની ખરી ભક્તિ વીતરાગતાના ધ્યેય વડે જ થાય છે,
સંસારના ધ્યેય વડે ભગવાનની ભક્તિ થઈ શકતી નથી. દરેક જૈનનું કર્તવ્ય છે કે
શુદ્ધાત્માના પ્રતિબિંબરૂપ આપણા વીતરાગ અરિહંતદેવના દર્શનપૂજનમાં માત્ર
વીતરાગભાવનાના પોષણનો જ હેતુ રાખે. સંસારના લાભનો હેતુ (– પુત્રપ્રાપ્તિ,
ધનપ્રાપ્તિ, નીરોગતા – પ્રાપ્તિ વગેરે પાપનો હેતુ) જરાપણ ન રાખે.... અને ભગવાન
અરિહંતદેવ સિવાય બીજા કોઈ સરાગ દેવ–દેવીને તો સ્વપ્નેયય પૂજ્ય ન માને.
ખરેખર તો અંદર આત્મા પોતે શાશ્વત ચૈતન્યપ્રતિમા છે, તેના દર્શન વિના અને
તેના આશ્રય વિના બીજી કોઈ રીતે કલ્યાણ થતું નથી. આ બહારની જિનપ્રતિમા તો
અંદરની ચૈતન્યપ્રતિમાના સ્મરણનું નિમિત્ત છે, તેને બદલે પ્રતિમાના દર્શનથી ધન –
પુત્રાદિની ઈચ્છા કરવી કે રોગાદિ મટવાની ઈચ્છા કરવી તે તો પાપ છે; ને એવી
ઈચ્છા વગર ભગવાનના દર્શન–પૂજન કરે તો તે શુભભાવ છે; પણ આત્માનું કલ્યાણ
અને ધર્મ તો અંદર આત્મા પોતે નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યપ્રતિમા શાશ્વત – ટંકોત્કીર્ણ છે
તેને લક્ષમાં લઈને તેના જ આશ્રયે થાય છે; એના આશ્રય વગર બીજી કોઈ રીતે
જીવનું કલ્યાણ નથી કોતર્યા વગરની શાશ્વત જ્ઞાયકમૂર્તિ–જિનપ્રતિમા આત્મા પોતે છે
તે જ પોતાનો દેવ છે અને તે જ ચૈતન્ય ચિંતામણિ છે, તેનાં દર્શન કરતાં ને તેનું
ચિંતન કરતાં મિથ્યાત્વાદિ પાપોનો નાશ થાય છે ને ઈષ્ટપદની સિદ્ધિ થાય છે. બાકી
પોતાને ભૂલીને પરને ભજે તેથી કલ્યાણ થાય તેમ નથી.
ભક્તિ વગેરે દેખીને પદ્મપુરીના વ્યવસ્થાપકો પણ ખુશી થયા.