: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૧૧ :
તેથી તેણે ચોરલોકોની સભામાં જાહેર કર્યું કે જે કોઈ તે જિનભક્ત શેઠના
મહેલમાંથી ઉપરનું રત્ન લાવી આ૫શે તેને મોટું ઈનામ મળશે.
સૂર્ય નામનો એક ચોર તે માટે તૈયાર થઈ ગયો; તેણે કહ્યું–અરે, ઈન્દ્રના મુગટમાં
રહેલું રત્ન પણ હું ક્ષણભરમાં લાવી દઉં! તો આમાં શી મોટી વાત છે?
પણ, મહેલમાંથી એ રત્નને ચોરવું એ કાંઈ સહેલી વાત ન હતી; તે ચોર કોઈ રીતે
ન ફાવ્યો, તેથી છેવટે એક ત્યાગીશ્રાવકનો કપટી વેષ ધારણ કરીને તે શેઠના ગામમાં
પહોચ્યોં; તેની બોલવાની છટાથી, તેમજ વ્રત–ઉપવાસ વગેરેના દેખાવથી લોકોમાં તે પ્રસિદ્ધ
થવા લાગ્યો; અને તેને ધર્માત્મા સમજીને જિનભક્ત શેઠે પોતાના ચૈત્યાલયની દેખરેખનું
કામ તેને સોંપ્યું, ત્યાગીજી તો એ નીલમણીને દેખતાં આનંદ–વિભોર થઈ ગયા......ને
વિચારવા લાગ્યા કે ક્યારે લાગ મળે, ને ક્યારે આ લઈને ભાગું?
એવામાં શેઠને બહારગામ જવાનું થયું. તેથી તે બનાવટી શ્રાવકને ચૈત્યાલય
સાચવવાની ભલામણ કરીને શેઠે પ્રસ્થાન કર્યું ને ગામથી થોડે દૂર જઈને પડાવ નાંખ્યો.
રાત પડી....સૂર્યચોર ઊડયો......નીલમણીરત્ન ખીસામાં નાંખ્યું અને ભાગ્યો....
પણ નીલમણીનો પ્રકાશ છૂપો ન રહ્યો; તે અંધારામાં પણ ઝગઝગતો હતો; આથી
ચોકીદારોને શંકા થઈ અને તેને પકડવા તેની પાછળ દોડયા. અરે....મંદિરનો નીલમણી
ચોરીને ચોર ભાગે છે...પકડો...પકડો! એમ ચારેકોર દેકારો થયો.
હવે સૂર્યચોરને બચવાનો કોઈ માર્ગ ન રહ્યો, એટલે તે તો જ્યાં જિનભક્ત
શેઠનો મુકામ હતો ત્યાં ઘૂસી ગયો. ચોકીદારો તેને પડકવા પાછળ આવ્યા. શેઠ બધો
મામલો સમજી ગયા...કે આ ભાઈસાહેબ ચોર છે. પણ, ત્યાગી તરીકે પ્રસિદ્ધ આ માણસ
ચોર છે–એમ જો લોકોમાં પ્રસિદ્ધ થશે તો ધર્મની નિંદા થશે–એમ વિચારીને બુદ્ધિમાન
શેઠે ચોકીદારોને ઠપકો આપતાં કહ્યું–અરે, તમે લોકો શું કરી રહ્યા છો! આ કોઈ ચોર
નથી, આ તો ‘સજ્જન–ધર્માત્મા’ છે. નીલમણી લાવવાનું તો મેં તેને કહ્યું હતું; તમે
મફતનો એને ચોર સમજીને હેરાન કર્યો.
શેઠની વાત સાંભળીને લોકો શરમાઈને પાછા ચાલ્યા ગયા. અને આ રીતે એક મૂર્ખ
માણસની ભૂલને કારણે ધર્મની નિંદા થતી અટકી.–આને ઉપગૂહન કહેવાય છે. જેમ–એ
દેડકાનાં દુષિત થવાથી કાંઈ આખો દરિયો ગંધાઈ જતો નથી, તેમ કોઈ અસમર્થ નબળા
મનુષ્ય દ્વારા નાનીશી ભૂલ થઈ જાય તેથી કાંઈ પવિત્ર જૈન–ધર્મ મલિન થઈ જતો નથી.