: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
જેમ માતા ઈચ્છે છે કે મારો પુત્ર ઉત્તમ ગુણવાન થાય; છતાં પુત્રમાં કોઈ
નાનોમોટો દોષ દેખાય તો તેને તે પ્રસિદ્ધ નથી કરતી, પણ એવો ઉપાય કરે છે કે તેના
ગુણની વૃદ્ધિ થાય. તેમ ધર્માત્માઓ પણ ધર્મનો અપવાદ થાય તેવું કરતા નથી, પણ
ધર્મની પ્રભાવના થાય તેવું કરે છે. કોઈ ગુણવાન ધર્માત્મામાંં કદાચિત દોષ થઈ જાય તો
તેને ગૌણ કરીને તેનાં ગુણોને મુખ્ય કરે છે, ને એકાંતમાં બોલાવી, તેને પ્રેમથી
સમજાવી, જેમ તેના દોષ દૂર થાય ને ધર્મની શોભા વધે તેમ કરે છે.
લોકો ચાલ્યા ગયા પછી જિનભક્ત શેઠે પણ તે સૂર્યચોરને એકાંતમાં બોલાવીને
ઠપકો આપ્યો, અને કહ્યું–ભાઈ! આવું પાપકાર્ય તને શોભતું નથી; વિચાર તો કર કે તું
પકડાયો હોત તો તને કેટલું દુઃખ થાત? માટે આવા ધંધાને તું છોડ!
તે ચોર પણ શેઠના આવા ઉમદા વ્યવહારથી પ્રભાવિત થયો, ને પોતાના
અપરાધની માફી માંગતા તેણે કહ્યું–શેઠ! આપે જ મને બચાવ્યો છે; આપ જૈનધર્મના
ખરા ભક્ત છો. લોકોની સમક્ષ આપે જ મને ‘સજ્જન–ધર્માત્મા’ કહીને ઓળખાવ્યો,
તો હવે હું પણ ચોરી છોડીને ખરેખર સજ્જન ધર્માત્મા થવાનો પ્રયત્ન કરીશ. ખરેખર,
જૈનધર્મ મહાન છે, અને આપના જેવા સમ્યગ્દ્રષ્ટિ જીવો વડે તે શોભે છે.
આ રીતે તે શેઠના ઉપગૂહનગુણને લીધે ધર્મની પ્રભાવના થઈ.
[આ કથા આપણને એમ શીખવે છે કે સાધર્મીના
કોઈ દોષને મુખ્ય કરીને ધર્મની નિંદા થાય તેમ ન કરવું;
પણ પ્રેમપૂર્વક સમજાવી તેને તે દોષથી છોડાવવો; અને
ધર્માત્માના ગુણોને મુખ્ય કરીને તેની પ્રશંસાદ્વારા ધર્મની
વૃદ્ધિ થાય તેમ કરવું.]
આત્મધર્મમાં આવતી સમ્યકત્વના આઠ અંગની આ કથાઓ
સૌને ખૂબ જ ગમી છે ને સમ્યકત્વ પ્રત્યે પરમ બહુમાન જગાડે છે.
આઠઅંગની આઠે કથાઓ આ ચાલુ વર્ષમાં જ પૂરી કરવાની હોવાથી આ
અંકમાં બે કથાઓ આપવામાં આવી છે.